કાયમ બને છે એમ,ચુંટણી પૂર્વેના ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્ઞાતિવાદનો અજગર સળવળી રહ્યો હતો ત્યારે જ બરાબર કેન્દ્રીય પ્રધાનમંડળના વિસ્તરણનું મૂરત જોવાયું અને પાસાંઓ ગોઠવાયા.
કોંગ્રેસ આંતરકલહમાં અને નવી ઉભી થઇ રહેલી આમ આદમી પાર્ટી સંગઠનના કામો માં ગળાડૂબ છે ત્યારે જ મોદી-શાહે કેબિનેટ વિસ્તરણમાં ગુજરાતને મહદ્ અંશે સાચવી લીધાની પ્રતીતિ થઇ રહી છે. મોદી એવા ચાણકય છે જે અમિત શાહનો પણ ‘ભરપૂર લાભ’ લઇ શકે છે. શાહને સહકારિતા નામનું નવું મંત્રાલય સોંપી મોદીએ દેશભરમાં પક્ષને વધુ મજબુત (ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં) બનાવવાનો ખેલ તો પાડયો જ છે. સાથે સાથે શરદ પવારને વેતરી નાંખવાનો મનસૂબો પણ સેવ્યો હોય એમ બને, કેમ કે-મહારાષ્ટ્રના સહકાર જગતમાં પવાર પાસે ઘણો પાવર છે.
રાજયમાં થોડાં સમય પહેલાં પાટીદાર સીએમની માંગ ઉઠેલી, તેને ઢબૂરી દેવા પીએમએ કેન્દ્રમાં કડવા-મીઠાં(લેઉવા) બંને પટેલોને સાચવી લીધાં છે. કડવા પટેલ રૂપાલા તથા લેઉવા પટેલ માંડવિયા બંનેના કદમાં વધારો કરી દઇ ગુજરાતી પાટીદારને ટાઢા પાડી દીધાં છે.
ગુજરાતમાં ધણી બધી બેઠકો પર વર્ચસ્વ ધરાવતા કોળી સમાજના અસંતોષને પારખી, મહત્વાકાંક્ષાને ધ્યાને લઇ મોદીએ સાંસદ મહેન્દ્ર મુંજપરાને શિક્ષિત નેતા તરીકે કેન્દ્રમાં સમાવી લઇ રાજયની 45 વિધાનસભા બેઠકોના કોળી ગણિતને સાચવી લીધું છે. એ જ રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલાં અલ્પેશ ઠાકોરવધુ ઉંચાનીચા થાય એ પહેલાં મધ્ય ગુજરાતના ઠાકોર સમાજના દેવુસિંહ ચૌહાણને પાંખમા લઇ લીધાં છે. 2017ની ચૂંટણીમાં ઠાકોરસમાજે કોંગ્રેસ પ્રત્યે કૂણી લાંગણી દર્શાવેલી જેનો લાભ ભાજપામાં દેવુસિંહને મળ્યો કારણ કે, ગુજરાત ભાજપા માટે આ મજબૂરી હતી.
રાજયમાં ચૂંટણીના અનુસંધાને નવી આમ આદમી પાર્ટી પાટીદારો ઉપરાંત ઓબીસી સમાજ પર નજર ઠેરવી રહી હતી. તેને ચેકમેટ કરવા પીએમ એ એડવાન્સમાં સોગઠી મારી લીધી છે.
સુરત પટ્ટામાં પાટિલનો પાવર વધી રહ્યો હતો તેને સરભર કરવા, પાટિલને લાલ ઝંડી દેખાડવા પીએમ એ સુરતના સાસંદ દર્શના જરદૌશને મંત્રી બનાવી, મૂળ સુરતના લોકોની અન્યાયની લાંગણીને હળવેથી પંપાળી લીધી છે.
હવે કદાચ દિલ્હી પેટર્ન પર લખનૌ-ગાંધીનગરમાં ચૂંટણી પૂર્વે ગેઇમ ગોઠવાશે કેમ કે, શનિવારે શાહ અને અષાઢી બીજ પછી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતમાં ચુંટણી પહેલાં સૌરાષ્ટ્રનું વજન હવે કેવી રીતે વધે છે? તે જોવું રસપ્રદ બનશે કેમ કે, ગુજરાત ભાજપાથી સૌરાષ્ટ્ર સહિત રાજયમાં ઘણાં લોકો નારાજ છે. જે ચૂંટણીમાં પ્રતિકૂળ નિવડી શકે તે મુદ્દો ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્ર-ગુજરાતને ખુશ રાખવા નવેસરથી કવાયત થઇ શકે છે.કમ કે, સૌરાષ્ટ્રમાં ‘આપ’ કાઠું બનાવી રહી છે.(‘ખબર ગુજરાત’ સિરીઝ-1, શત-રંજ: સંજય રાવલ)