Saturday, October 19, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોની ટાઉનપ્લાનિંગ કમિટિના અધ્યક્ષને ખુલ્લો પત્ર...

જામ્યુકોની ટાઉનપ્લાનિંગ કમિટિના અધ્યક્ષને ખુલ્લો પત્ર…

- Advertisement -

શ્રી પાર્થભાઇ કોટડીયા,
કોઇ પણ શહેરનાં વિકાસ માટે સુનિયોજીત ટાઉન પ્લાનિંગ જરૂરી છે. ટાઉન પ્લાનિંગ જેટલું ગોબરું તેટલું શહેર ચિતરામણું. જામનગર શહેરનો વિકાસ આયોજન અને નિયમ મુજબ થાય તે જોવાની જવાબદારી જામ્યુકોનાં ટાઉનપ્લાનિંગ વિભાગની છે. આ અત્યંત મહત્વના વિભાગને ગાઇડ કરવાની અને તેની કામગીરી પર વોચ રાખવાની જવાબદારી આપને સોંપવામાં આવી છે. તે બદલ આપને ખુબ ખુબ અભિનંદન.

જામ્યુકોની ટાઉનપ્લાનિંગ અને માર્કેટીંગ કમિટિના આપને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આપની નિમણૂંકને એક મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. આશા છે આપે આપની કમિટિ હસ્તકના કાર્યક્ષેત્રનો અભ્યાસ કરી લીધો હશે. જો આપને ખ્યાલ ન હોય તો અમે જણાવી દઇએ કે, જામ્યુકોનો ટાઉન પ્લાનિંગ વિભાગ કાયમ વિવાદમાં રહ્યો છે. ભૂતકાળમાં વિભાગની કામગીરીને લઇને અનેક સવાલો ઉઠયા છે,આજે પણ ઉઠી રહ્યા છે. ભ્રષ્ટાચારનો ભોરિંગ પણ આ વિભાગમાં ફૂંફાડા મારતો રહ્યો છે. ત્યારે આ વિભાગને પારદર્શિ અને વિશ્ર્વસનિય બનાવવાની જવાબદારી આપની કમિટિની બને છે. જો કે, ભૂતકાળમાં કોઇ કમિટિ અને તેના અધ્યક્ષોએ આવો સુધારણા અભિગમ અપનાવ્યો નથી. પરંતુ આપ નવા છો એટલે શહેરના લોકો કંઇક નવું કરવાની આપની પાસે અપેક્ષા રાખી રહ્યા છે.

ગેરકાયદે અને નિયમ વિરૂધ્ધ બાંધકામોની સમસ્યા જામનગર માટે નવી નથી. શહેરમાં અસંખ્ય એવા બાંધકામો છે જે નિયમોને તાક પર રાખીને કરવામાં આવ્યા છે. જે આપ પણ જાણતા હશો અને આપનો વિભાગ પણ જાણતો હશે. કોઇને કોઇ કારણોસર આવા બાંધકામો પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવે છે. કયારેક દેખાડો કરવામાં આવે છે. પણ સરવાળે ખાસ કંઇ થતું નથી.

શું આપની કમિટિ આવા ગેરકાયદે બાંધકામોની સમીક્ષા કરશે? કમિટિની બેઠકમાં આ અંગે કોઇ ચર્ચા-વિચારણા કરવામાં આવશે? વિચારણા કર્યા બાદ હકારાત્મક રીપોર્ટ કરવાની હિંમત આપ દર્શાવી શકશો ખરા..? કેમ કે, કાર્યવાહીની કોઇ સતા આપની કમિટિ પાસે નથી. તે અમને ખ્યાલ છે. પણ ચર્ચા કરીને ભલામણ કરવી પણ શહેરના હિતમાં મોટું કાર્ય ગણાશે.

જામનગર શહેરનાં વિકાસ માટે સૌથી વધુ જરૂરી છે. ટી.પી.સ્કીમ. જામનગર મહાપાલિકા થયાને 40 વર્ષ થઇ ગયા છતાં આપણે હજુ માત્ર સાત ટી.પી. સ્કીમમાં જ રમત રમી રહ્યા છીએ ! જે સ્કીમ અમલમાં છે તે પણ જાડા એ બનાવેલી આંગળિયાત છે. આપણે બે સ્કીમ બનાવેલી ટી.પી.સ્કીમ નંબર 8 અને 9 પણ અણધડ પ્લાનિંગને કારણે તે લટકી પડી. ટી.પી.સ્કીમની બાબતમાં જામનગર અન્ય શહેરોથી ઘણું પછાત અને પાછળ છે તે બાબત પણ આપ જાણતા હશો. સુરેન્દ્રનગર જેવી કેટલિક નગરપાલિકા આપણાં કરતાં વધુ સ્કીમ ધરાવે છે અને તેનો અમલ કરાવે છે. ત્યારે ટી.પી. સ્કીમની આ મંથર ગતિને વેગ આપવો આપના માટે મોટી ચેલેન્જ બની રહેશે. એ બાબત અમારી જાણમાં છે કે, જામ્યુકો હાલ 30થી વધુ નવી ટી.પી.સ્કીમ ઉપર કામ કરી રહ્યું છે. ત્યારે આ નવી સ્કીમ ને વેગ આપવાની જવાબદારી પણ આપની કમિટિની બની રહેશે.

છેલ્લે…આશા છે આપ અઢી વર્ષ માત્ર ખુરશી શોભાવીને બેસી નહી રહો.. આશા છે કમિટિની નિયમિત બેઠકો યોજતા રહેશો..

તંદુરસ્ત ચર્ચાઓ કરશો, સિસ્ટમ સુધારવા પ્રયાસ કરશો અને તટસ્થતા પૂર્વક કમિટિના અભિપ્રાયો અને આયોજનો સ્થાયી સમિતિ અને બોર્ડ સમક્ષ રજુ કરશો. પછી ભલેને બોર્ડ કંઇ કરે કે ન કરે…

આપને તથા આપની કમિટિના તમામ સભ્યોને ‘ખબર ગુજરાત’ તરફથી શુભેચ્છા..

‘ખબર ગુજરાત’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular