જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં વૃધ્ધાના કોરોના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યાં બાદ આ વિસ્તારમાં સધ્ધન આરોગ્ય સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં જરૂરી આરોગ્ય તકેદારીના પગલાં લેવા માટે લોકોનો સંપર્ક કરી વિગતો મેળવવામાં આવી હતી.
જામનગર શહેરના ગાંધીનગર નજીક અન્નપુર્ણા માતાજીના મંદિર પાસે રહેતાં એક વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં બાદ જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ડેલ્ટા પ્લસની ચકાસણી માટે તેના રિપોર્ટ પુણેની લેબમાં મોકલવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટીવ આવતાં આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી. વૃધ્ધાનો કોરોના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવતાં મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા આ વિસ્તારમાં સર્વે હાથ ધરાયો હતો અને તાવ, ખાસી અને શરદીની જેવા કેસો અંગે માહિતી મેળવી હતી. આરોગ્ય કર્મચારીની ટીમોએ આ વિસ્તારમાં ઘરે ઘરે જઇ દરેક સભ્યોની તપાસ હાથધરી હતી.