રાત્રિ કફર્યુની અમલવારીના અસમંજસને કારણે જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં સાંજના સમયે વેપારીઓમાં દુકાનો બંધ કરવા બાબતે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કોરોના મહામારીને કારણે રાજ્યમાં રાત્રિ કફર્યુ સહિતના આકરાં નિયંત્રણો લાદવામાં આવ્યા બાદ કોરોના સંક્રમણ ઘટતા સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવાની શરૂઆત કરી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તા.27 જૂનથી વેપાર-ધંધા રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવા છૂટ આપવામાં આવી હતી. ત્યારબાદ જામનગરના જાહેરનામામાં તા.26 જૂનથી વેપાર-ધંધા રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી મળતા આજે વેપારીઓમાં રાત્રિ કફર્યુની અમલવારી બાબતે અસમંજસનો માહોલ સર્જાયો હતો. શહેરના બર્ધન ચોકમાં કેટલાંક વેપારીઓ દ્વારા આજથી તા.26થી જ દુકાનો 9 વાગ્યા સુધીની મંજૂરી હોવાનું તો કેટલાંક વેપારીઓમાં આવતીકાલ તા.27 રવિવારથી રાત્રિના 9 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી હોવાનું અસમંજસ ફેલાયો હોય દુકાનો બંધ કરવા લાગ્યા હતાં.