કોંગ્રેસ સાતમી જુલાઇથી મોંઘવારી વિરૂધ્ધ 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવા જઇ રહી છે. કોંગ્રેસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના મહામારી, મોટા પ્રમાણમાં બેરોજગારી અને પગારના કાપને કારણે પીડિતોની કફોડી સ્થિતિ છે. જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સાતમી જુલાઇથી દેશભરમાં 10 દિવસનું આંદોલન શરૂ કરવા જઇ રહી છે.
આ આંદોલનના ભાગરૂપે રાજ્યોમાં જિલ્લા અને તાલુકા સ્તરે સાતમી જુલાઇથી 17મી જુલાઇ દરમિયાન ધરણા પ્રદર્શન યોજવામાં આવશે. જેમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ, અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સંગઠનો પણ સામેલ થશે. તેમાં મહિલા કોંગ્રેસના નેતા અને સભ્યોનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ જિલ્લા સ્તર પર સાઇકલ યાત્રા કાઢશે, પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ રાજ્ય સ્તર પર મોરચા અને રેલીઓ પણ કાઢશે.
પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ વધારા સામે દેશના બધા જ પેટ્રોલ પંપ પર સિગ્નેચર અભિયાન ચલાવવામાં આવશે. આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પાર્ટીના મહાસચિવો અને પ્રદેશ પ્રભારીઓની બેઠક યોજી હતી. કેન્દ્ર સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે કોંગ્રેસના નેતાઓએ આ બેઠકમાં વધી રહેલી મોંઘવારી, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે આંદોલનની રણનીતિ બનાવી હતી. આ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી.