જામનગરમાં સારા વરસાદની શુભકામના માટે આજરોજ કૃષ્ણનગર મહિલા મંડળ દ્વારા ગાય તથા કૂતરા માટે 900 કિલો લાડુ બનાવ્યા હતાં. જામનગરમાં ચોમાસાની સિઝન આવી છે. ત્યારે આ વર્ષે સારો વરસાદ પડે તે માટે મેઘરાજાને રિઝવવા પ્રયાસો શરુ થઇ ચૂકયા છે. જામનગરમાં કૃષ્ણનગર મહિલા મંડળ દ્વારા 240 કિલો ઘઉં, 150 કિલો તેલ, તથા 150 કિલો ગોળ સહિતની ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરી અંદાજિત 900 કિલો જેટલા ચુરમાના લાડુ બનાવવામાં આવ્યા હતાં અને શહેરમાં ગાય તથા કૂતરાઓને આ લાડુ ખવડાવી સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી. આ સેવા કાર્યમાં કૃષ્ણનગર મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી.