જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા સુભાષ પાર્ક નજીક ગત સોમવારે બાઇક પર પસાર થતા યુવાન ઉપર નવ જેટલા શખ્સોએ હુમલો કર્યાના બનાવમાં ઘવાયેલા યુવાનનુ સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો અને પોલીસે આ ઘટનામાં હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
હત્યાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજીતસાગર રોડ પર ગત તા.21ના રોજ સાંજના સમયે બાઇક પર પસાર થતા બે યુવાનો ઉપર છ જેટલા શખ્સોએ આંતરીને લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની ઘટનામાં ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન સાબીર સલીમ ખીરા (ઉ.વ.20) રે. હર્ષદમીલની ચાલી, નીલકંઠ નગર નામના યુવાનનુ મોત નિપજ્યાનુ તબીબોએ જાહેર કર્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી હુમલાના બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આ પૂર્વે જે દિવસે હુમલો થયો તે દિવસે હુમલાના બનાવની ફરિયાદ નોંધાઇ હતી. જેથી પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી.