ગુજરાતના પશ્ચિમી વિભાગમાં આવેલ સમુદ્ર કિનારાના ટાપુઓને હવે પર્યટન પ્રવાસન હોટસ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. આ ટાપુઓમાં બેટ દ્વારકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દ્વારકામાં મરીન સ્કિલ ટ્રેનીંગ સેન્ટર પણ શરુ કરવામાં આવશે. જેના લીધે યુવાઓને રોજગારીની તકો મળી રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ચોથી બેઠકમાં બેટ દ્વારકા, શિયાળ બેટ અને પિરોટન ટાપુઓને ટુરિઝમ અને નેચર રિલેટેડ એક્ટિવિટીઝ અને એડવેન્ચર સ્પોર્ટસ સહિતની ગતિવિધિઓથી પ્રવાસન પ્રવૃત્તિના આકર્ષણ કેન્દ્રો બનાવવાના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમજ પ્રવાસન- ઇન્ફ્રાસ્ટ્રકચર તેમજ સામાજિક આર્થિક વિકાસના કામોના વિવિધ પ્રોજેક્ટ્સ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે.
જે અંતર્ગત શિયાળ બેટમાં પ્રવાસન- ઇન્ફ્રાસ્ટ્રકચરના અને સામાજિક આર્થિક વિકાસના રૂ. 36 કરોડના કામો માટે વિકાસ એજન્સીની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સાથે જ બેટ દ્વારકામાં પણ રૂ. 29 કરોડના કામોના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા પણ એજન્સીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પિરોટન ટાપુ પર ઇકો ફ્રેન્ડલી ટુરિઝમ પ્રોજેકટ પણ ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે. આઇ.ટી.આઇ. દ્વારકામાં મરીન સ્કિલ ટ્રેનિંગ સેન્ટર વિકસાવી મરિન- આયલેન્ડ સપોર્ટીંગ સ્કિલ્સ આધારિત અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. જેના લીધે સ્થાનીક યુવાઓને રોજગારીની તકો મળી રહેશે.