સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું પ્રસારવનાર કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ભારતમાં 40 કેસ નોંધાતા વૈજ્ઞાાનિકો ચિંતિત થઈ ગયા છે અને તેમનું કહેવું છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ દેશમાં ત્રીજી લહેર લાવે તેવું જોખમ છે જ્યારે સરકારે કહ્યું હતું કે લોકોએ હાલ ચિંતા કરવાનું કારણ નથી. આ વેરિઅન્ટ હજી ત્રણ જ રાજ્યમાં જોવા મળ્યો છે. ભારત માટે હાલ ડેલ્ટા વેરિઅન્ટ ચિંતાનું કારણ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિઅન્ટ ભારત સહિત 80 દેશોમાં ફેલાયેલો છે અને તેને ’વેરિઅન્ટ ઓફ કન્સર્ન’ની શ્રેણીમાં રખાયો છે. જ્યારે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હાલ ભારત સહિત માત્ર નવ દેશોમાં છે. ભારતમાં ડેલ્ટા પ્લસના 40 કેસ નોંધાયા છે. આથી હાલ તેને ’વેરિઅન્ટ ઓફ ઈન્ટ્રેસ્ટ’ની શ્રેણીમાં રખાયો છે. ભારતે હજી આ વેરિઅન્ટથી ચિંતા કરવાની જરૂર નથી.
દેશમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 22 કેસ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને કેરળમાં નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ 16 કેસ મહારાષ્ટ્રમાં છે. આ મુદ્દે ત્રણેય રાજ્યોને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો સામનો કેવી રીતે કરવો તે જણાવાયું છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ વધે તેમ અમે ઈચ્છતા નથી. બીજીબાજુ મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 21 કેસ નોંધાયા છે, જેમાંથી બે મુંબઈમાં અને એક થાણેમાં જોવા મળ્યા છે.
રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સૌથી વધુ નવ કેસ રત્નાગીરીમાં જ્યારે જાલનામાં સાત તથા પાલઘર અને સિંધુદુર્ગમાં એક-એક કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયથી વિપરિત મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રીના નિવેદન મુજબ ભારતમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના 27 કેસ નોંધાયા છે. દરમિયાન નિષ્ણાતોનું માનવું છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. તેથી સરકારે આ બાબતે ચિંતા કરવાની અને તેનો પ્રસાર અટકાવવા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. બ્રિટનમાં ડેલ્ટા વેરિઅન્ટના કારણે કોરોનાના કેસ વધ્યા છે અને વડાપ્રધાન બોરીસ જોન્સને 21મી જૂને પૂરું થઈ રહેલું લોકડાઉન 19મી જુલાઈ સુધી લંબાવવાની ફરજ પડી છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ભીતિ અંગે નીતિ આયોગના સભ્ય વી.કે. પૌલે જણાવ્યું કે કોરોના વાઈરસ ફરી રહ્યો હોવાથી નવી લહેર આવે છે. આપણે રસીથી સુરક્ષિત ન હોઈએ તો આપણે વાઈરસ ફેલાવી શકીએ છીએ. એવામાં વાઈરસ સ્વરૂપ બદલે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ અંગે ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. અનેક દેશોમાં તો કોરોનાની ચોથી લહેર પણ આવી ગઈ છે.