Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરશાકમાર્કેટથી દરબારગઢ સુધીના સંવેદનશિલ માર્ગ પર સીસીટીવી કેમ નહીં..?

શાકમાર્કેટથી દરબારગઢ સુધીના સંવેદનશિલ માર્ગ પર સીસીટીવી કેમ નહીં..?

શહેરના લગભગ તમામ વિસ્તારો સીસીટીવી હેઠળ આવરી લેવાયા છે : આ માર્ગ પર બકાલા માર્કેટ ભરાતી હોય અવાર-નવાર ટ્રાફિકજામ અને ઝઘડાઓ થતાં રહે છે

- Advertisement -

જામનગર શહેરમાં રાજ્ય સરકાર દ્વારા ગુનાખોરી, ટ્રાફિક સમસ્યા જેવા અનેક પ્રશ્ર્નોના નિરાકરણ માટે જાહેર માર્ગો ઉપર સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. જામનગર શહેરના લગભગ તમામ જાહેર માર્ગોને સીસીટીવી કેમેરા હેઠળ આવરી લેવાયા છે પરંતુ આશ્ર્ચર્યજનક રીતે જામનગરના હાર્દસમા દરબારગઢ સર્કલથી શાક માર્કેટ તરફ જતાં માર્ગ ઉપર કોઇપણ કેમેરા લગાડવામાં આવ્યાં નથી.!! જામનગર શહેરમાં કેટલાંક વિસ્તારો સંવેદનશિલ છે. આ વિસ્તારો પૈકીનો દરબારગઢથી શાક માર્કેટ સુધીનો વિસ્તાર પણ સંવેદનશિલ વિસ્તાર છે. ત્યારે આવા સંવેદનશિલ વિસ્તાર જણાતાં માર્ગમાં તંત્ર દ્વારા સીસીટીવી સર્વેલન્સ રાખવામાં આવ્યું નથી. જે એક ગંભીર બાબત ગણાવી શકાય. સંવેદનશિલ વિસ્તારોમાં તકેદારી અત્યંત આવશ્યક છે. આ બાબત જાણી જોઇને કરાઇ છે કે પછી કોઇ ચોક્કસ પરિબળોને કારણે આ માર્ગ પર કેમેરા લગાવાયા નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.

જામનગર શહેરમાં તમામ મુખ્ય ટ્રાફિક પોઇન્ટ તથા રાજમાર્ગો પર સીસીટીવી કેમેરાની નિગરાની ગોઠવવામાં આવી છે. જેમાં મોનિટરીંગ એસ.પી.ઓફિસ પાસે ક્ધટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવે છે. જામનગરમાં કોઇપણ ગુનાની તપાસ પણ આ સીસીટીવી કેમેરા અત્યંત મદદરૂપ બની શકે છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમોના ભંગમાં ઈ-મેમો માટે પણ આ કેમેરાનો ઉપયોગ થાય છે. ત્યારે જામનગરના લગભગ તમામ મુખ્ય વિસ્તારો ઉપર કેમેરા લગાવવામાં આવ્યાં છે તો દરબારગઢથી શાકમાર્કેટ તરફ જતાં માર્ગ પર કેમેરા ન લગાવવા પાછળનું શું કારણ ? ઉલ્લેખનીય છે કે, આ માર્ગ શહેરની હાર્દસમા અને સતત ભીડભાડ રહેતી હોય છે. ખાસ કરીને વ્હેલીસવારથી જ અહીં બકાલા માર્કેટ પણ ભરાઇ છે અને આ દરમિયાન ત્યાં અનેક છકડા રીક્ષાઓ સહિતના વાહનો મોટી સંખ્યામાં પસાર થતાં હોય છે. જેના કારણે અવાર-નવાર ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય છે. આ ઉપરાંત આ વિસ્તારમાં નાની નાની બાબતોમાં ઝઘડા સર્જાય તેવા બનાવો પણ બની ચૂકયા છે. ત્યારે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા હોવા જોઇએ પરંતુ આ માર્ગ ઉપર એક પણ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા નથી.

દરબારગઢથી શાકમાર્કેટ તરફ જતા માર્ગમાં શાકમાર્કેટ પૂરી થાય તે ભોયના ઢાળિયા નજીક સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે પરંતુ શરૂઆતમાં મુખ્ય માર્ગ ઉપર કેમેરા નથી. શું આ બાબત તંત્રને ધ્યાનમાં નથી ? કે પછી તંત્ર દ્વારા જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ? દરબારગઢથી શાકમાર્કેટ તરફ જતાં માર્ગમાં રેંકડીધારકો પણ રસ્તો રોકી ટ્રાફિક જામની સમસ્યા સર્જતા હોય છે. આ ઉપરાંત વાહનચાલક સાથે વાહન પાર્કિંગ બાબતે અવાર નવાર ઝઘડાઓ થતાં હોય છે. જ્યારે આ માર્ગો ઉપર સીસીટીવી કેમેરા અત્યંત આવશ્યક છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular