સીરમના સીઈઓ અદર પૂનાવાલા ભારત પરત આવી ગયા છે. મંગળવારે સવારે પ્રાઇવેટ જેટ દ્વારા પૂણે એરપોર્ટ ઉપર આવતા જ તેઓ સીરમ ઇન્સ્ટિટયૂટ ખાતે પહોંચી ગયા હતા. મહત્ત્વની વાત એ છે કે, રસી અંગે વિવિધ ધમકીઓ મળી રહી હોવાથી તેઓ લંડન ચાલ્યા ગયા હતા. સૂત્રોના મતે તેમના લંડન ગયા બાદ તેમના પિતા પણ બ્રિટન જતા રહ્યા હતા. આ ઘટનાની ભારત સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી અને તેમને પૂરતી સુરક્ષાની ખાતરી આપવામાં આવી હતી. જાણકારોના મતે તેઓે પૂણે પરત આવી ગયા છે અને હવે તેમને વાય કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
અદર પૂનાવાલાએ થોડા સમય પહેલાં જ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બ્રિટનમાં મેં ધાર્યા કરતા વધારે સમય પસાર કરી લીધો છે. મારા સાથીદારો અને ભાગીદારો તથા શેરહોલ્ડર્સ સાથે જે મિટિંગ્સ કરવાની હતી તે પૂર્ણ થઈ ગઈ છે. જે મહત્ત્વના કામ હતા તે આટોપાઈ ગયા છે. મને એ જણાવતા આનંદ થાય છે કે, પૂણેના સીરમના પ્લાન્ટમાં કોવિશીલ્ડનું ઉત્પાદન ધમધોકાર રીતે ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં પરત ફરીને આ કામગીરીની સમીક્ષા કરવા માટે હું ઉત્સુક છું.
અદરે મે મહિનામાં લંડન પહોંચતા જ જણાવ્યું હતું કે, હું એ સ્થિતિમાં વધારે રહેવા માગતો જ નથી. ત્યાં બધું જ મારા ખભે આવી ગયું હતું. હું એકલો જ બધી સ્થિતિનો સામનો કરી શકું તેમ નથી. તમે સતત પોતાનું કામ કરી રહ્યા હો છતાં તમારી સાથે શું થવાનું છે કે, આગળ શું પરિણામ આવવાનું છે તેની તમને ખબર જ ન હોય તે વધારે જોખમી છે.