જામનગર શહેરના રણજીત સાગર રોડ પર મારૂ કંસારા ફાઉન્ડેશન સામે બાઇક પર જતાં વેપારી યુવાન અને તેના પુત્રને નવ શખ્સોએ આંતરીને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી બન્નેને પતાવી દેવાની ધમકી આપયાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ન્યુ હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં રહેતાં અને બ્રાસપાર્ટના વ્યવસાય કરતાં અબ્દુલ કાસમ ખફી નામના યુવાન અને તેનો પુત્ર બાઇક પર દરેડથી તેના ઘર તરફ સોમવારે સાંજે જતાં હતાં ત્યારે ઇમરાન અબુ પતાણી, મુસ્તાક મહમદ ખફી, અલ્તાફ હનીફ ખીરા, હાજી ઉર્ફે કયુમ બસીર ખીરા, મહેબુબ તથા ચાર અજાણ્યા સહિતના નવ શખ્સોએ આવીને બાઇક સવાર પિતા-પુત્રને આંતરીને લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હાથમાં અને પગ ઉપર હુમલો કર્યો હતો તેમજ બન્નેને પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ બાદ ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ કરતાં પીએસઆઇ બી.એસ.વાળા તથા સ્ટાફે અબ્દુલ ખફીના નિવેદનના આધારે નવ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.
જામનગરમાં પિતા-પુત્ર ઉપર નવ શખ્સો દ્વારા હુમલો
રણજીત સાગર રાડ ઉપર બાઇકને આંતરીને ધોકા-પાઇપ વડે માર માર્યો: નવ શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ