‘ખબર ગુજરાત’ દ્વારા ગઇકાલે સોમવારે એક નગરજનની ફરિયાદના આધારે, મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ સંકુલના બેડમિન્ટન કોર્ટ વિભાગમાં વરસાદના પાણીના ચુવાક અંગે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતાં. આ અંગે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સાથે વિસ્તૃત રીતે વાતચિત પણ કરવામાં આવી હતી. આ ચુવાક બંધ કરવા માટેની કામગીરી આજે મંગળવારે બપોરે હાથ ધરવામાં આવી હતી.
જામનગરના એક જાગૃત નાગરિક દ્વારા આધાર પુરાવા સાથે સ્પોર્ટસ સંકુલના બેડમિન્ટન કોર્ટ વિભાગમાં થઇ રહેલાં વરસાદી ચુવાક અંગે ‘ખબર ગુજરાત’ને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ગઇકાલે સોમવારે ‘ખબર ગુજરાત’ દ્વારા આ સમસ્યા અંગે જામનગર મહાનગરપાલિકાના પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ વિભાગના વડા ભાવેશ જાની સાથે વાતચિત કરવામાં આવી હતી. આ અધિકારીએ આ સમસ્યા તાકિદે દૂર કરવામાં આવશે એવી ગઇકાલે સોમવારે બપોરે ખાત્રી આપી હતી. અને આ ખાતરીના પાલનના ભાગરૂપે આજે મંગળવારે બપોરે, સમાચાર પ્રસિધ્ધ થયાના 24 કલાકમાં, આ અધિકારીની સુચના પ્રમાણે કોર્પોરેશનનો કોન્ટ્રાકટર હસ્તકનો ટેકનિકલ સ્ટાફ આ ચુવાકની સમસ્યા દૂર કરવા કામે લાગ્યો હતો. જે બદલ જામનગરના નગરજનો અને સ્પોર્ટસ સંકુલનો ઉપયોગ કરતાં લોકોવતી ‘ખબર ગુજરાત’ આ અધિકારી પ્રત્યે જાહેર આભારની લાગણી વ્યકત કરે છે.
અત્રે એ નોંધનીય છે કે, મહાનગરપાલિકાએ તાજેતરમાં રૂા.25 લાખના ખર્ચે સ્પોર્ટસ સંકુલની રિનોવેશનની કામગીરી હાથધર્યા પછી નવા કામમાં ચુવાકની આ ટેકનિકલ ક્ષતિ જોવા મળી હતી. જે અંગે મહાનગર પાલિકાએ ઝડપથી આ ક્ષતિ નિવારવાની કામગીરી ‘ખબર ગુજરાત’ના રિપોટીગ બાદ હાથ ધરી હતી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સોમવારે ‘ખબર ગુજરાત’ દ્વારા કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સાથે આ સમસ્યા અંગે વિસ્તૃત વાતચિત પણ કરવામાં આવી હતી. આ તકે, રિનોવેશન કામગીરીની આ ટેકનિકલ ક્ષતિ અંગે ‘ખબર ગુજરાત’નું ધ્યાન દોરવા બદલ સંબંધિત નાગરિકની જાગૃતિને પણ આવકારવામાં આવે છે. આજે મંગળવારે બપોરે સ્પોર્ટસ સંકુલ ખાતે આ ટેકનિકલ ક્ષતિ નિવારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારની તસ્વીરો અત્રે આ સમાચાર સાથે પ્રસ્તૃત છે.