લાલપુર નજીક રાંધણવા નદીના બેઠા પુલ પર કારનો પીછો કરી યુવાનની કાર પલ્ટી ખાઈ જતાં હુમલાખોરોએ કારમાંથી ઉતરી યુવાન ઉપર લોખંડના પાઈપ અને કુહાડા વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ઉપલેટના મોટી પાનેલી ગામમાં રહેતા અને મચ્છીનો વ્યવસાય કરતાં રિઝવાન અબ્દુલ જુણેજા નામના યુવાનને તેની બાજુમાં રહેતાં ઈકબાલ વલીમામદ સફિયા સાથે અગાઉ બોલાચાલી અને મારામારી થઈ હતી. જે બાબતનો ખાર રાખી સોમવારે સાંજના સમયે રિઝવાન જુણેજા, તેની કારમાં જતો હતો ત્યારે ઈકબાલ વલીમામદ સફિયા, અસરફ વલીમામદ સફિયા, ઈસ્માઇલ મુસા સોરા, રજાક ઈસ્માઇલ સોરા, હારુન ઈસ્માઇલ સોરા નામના પાંચ શખ્સોએ તેની જીજે-12-કે-5797 નંબરની સ્વીફટ કારમાં રીઝવાનનો પીછોે કર્યો હતો. હુમલાખોરોએ યુવાનનો પીછો કરતાં કાર ભગાડી હતી અને તે દરમિયાન લાલપુર તાલુકાના રાંધણવા નદીના બેઠા પુલ પાસે પલ્ટી ખાઈ ગઈ હતી.
દરમિયાન રિઝવાન કારમાંથી બહાર નિકળતાં ઈકબાલ સહિતના પાંચ શખ્સોએ રિઝવાનને ‘આજે તો આને પૂરો જ કરી નાખવો છે જીવતો છોડતા નહીં’ તેમ કહી કુહાડા અને લોખંડના પાઈપ વડે યુવાન ઉપર જીવલેણ હુમલો કરતાં માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ પાંચેય શખ્સો નાશી ગયા હતાં. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે હુમલાનો ભોગ બનનાર રિઝવાનના નિવેદનના આધારે પાંચ શખસો વિરૂધ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ફિલ્મી ઢબે કારનો પીછો કરી યુવાન ઉપર જીવલેણ હુમલો
લાલપુર નજીક યુવાનની પલ્ટી : કારમાંથી બહાર નિકળતા પાંચ હુમલાખોરો કુહાડા અને પાઈપ વડે તૂટી પડયા : ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો : જૂની મારામારીનો ખાર રાખી હત્યાનો પ્રયાસ : પોલીસ દ્વારા ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ