દેશમાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ.4-4 લાખ વળતર પેટે આપવાની માગ કરતી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કેન્દ્રે જણાવ્યું છે કે કોરોના વાયરસને લીધે મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ.4-4 લાખનું વળતર આપી શકીએ નહીં. પ્રાપ્ત વિગતો મુજ કેન્દ્રે જણાવ્યું છે કે કોરોના મહામારીથી પીડિયોના પરિવારને રૂ. 4-4 લાખનું વળતર આપી શકાય તેમ નથી કારણ કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં માત્ર ભૂકંપ, પૂર વગેરે જેવી કુદરતી આપત્તિમાં જ વળતરની જોગવાઈ છે. સરકારે વધુમાં જણાવ્યું કે એક બીમારીથી થતી મોત પર વળતર આપવામાં આવે અને અન્યમાં ન આપવામાં આવે તે ખોટું ગણાશે.
કેન્દ્ર સરકારે સોગંદનામામાં જણાવ્યું છે કે જો કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ.4 લાખનું વળતર ચૂકવવામાં આવે છે તો એસડીઆરએફનું સંપૂર્ણ ભંડોળ એક જ બીમારી પાછળ ખર્ચ થશે અને મહામારી વિરુદ્ધની લડાઈમાં ઉપયોગ થતું ભંડોળ પ્રભાવિત થશે. આનાથી રાજ્યોની કોરોના વિરુદ્ધની લડાઈ નબળી પડી શકે છે અને અન્ય આરોગ્યલક્ષી સેવા તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે પુરતું ભંડોળ નહીં રહે. આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દેશમાં કોરોનાના પ્રારંભથી અત્યાર સુધીમાં આશરે ચાર લાખ લોકોના મોત થયા છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એક અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત સંક્રમણને લીધે મૃત્યુ પામેલા લોકોને વળતર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે આજે સુનાવણી થશે.