જામનગરની કોવિડ હોસ્પિટલમાં જાતિય સતામણી પ્રકરણમાં રાજ્ય સરકારના આદેશ બાદ તપાસ સમિતિ દદ્વારા ભોગ બનનાર એટેન્ડન્ટોના નિવેદન લેવાયા બાદ આ તપાસનો રિપોર્ટ કલેકટરને સોંપી દેવામાં આવ્યો છે. તેમ છતાં હજુ આ ચકચારી પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી. આ ચકચારી પ્રકરણ પોલીસવડાને મહિલા ન્યાય મંચ દ્વારા પૂરાવાઓ સાથે આવેદન પત્ર પાઠવી તાત્કાલિક ફરિયાદ નોંધવા માંગણી કરી હતી.
જામનગરની કોવિડ હોસ્પિટલમાં 60 થી વધુ એટેન્ડન્ટો સાથે જાતિય સતામણી આચર્યાના ચકચારી પ્રકરણમાં રાજ્ય સરકારના ગૃહમંત્રી દ્વારા આદેશ કરાયા બાદ કલેકટર રવિ શંકર દ્વારા ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને આ તપાસ સમિતિ દ્વારા એટેન્ડન્ટોના નિવેદનો લેવામાં આવ્યાં બાદ તપાસનો રિપોર્ટ કલેકટરને સુપ્રત કરવામાં આવ્યો હતો તેમ છતાં હજુ આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી. આ ચકચારી પ્રકરણમાં એલ.બી. પ્રજાપતિ દ્વારા એટેન્ડન્ટો સાથે આચરેલા દુવ્યવહાર અને દુષ્કર્મ જેવા ગંભીર અપરાધમાં રાક્ષસી માનસ ધરાવતા પ્રજાપતિને તાત્કાલિક જેલ હવાલે કરવા અને ધોરણસર ફરિયાદ નોંધવા અને પ્રજાપતિની ધરપકડ કરવા માટે જામનગર મહિલા ન્યાય મંચના શેતલબેન શેઠ, કોમલબેન ભટ્ટ, નિમીષાબેન ત્રિવેદી, રચનાબેન નંદાણિયા અને સોનલબેન નાણાવટી દ્વારા આજે સવારે દસ્તાવેજી પૂરાવાઓ સાથે જિલ્લા પોલીસવડાને આવેદન પત્ર પાઠવી તાત્કાલિક ફરિયાદ નોંધવા માગણી કરવામાં આવી હતી અનેે 24 કલાકમાં આ નરાધમ ઉપર કોઇ કાર્યવાહી નહીં થાય તો મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલનની ચિમકી પણ આપવામાં આવી હતી.
તેમજ આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, ભોગ બનનાર એટેન્ડન્ટો દ્વારા મીડિયા સમક્ષ નામજોગ સતામણી કરવામાં આવી હોવાની રજૂઆત બાદ પણ આ એટેન્ડન્ટોના નિવેદનો તોડીમરોડીને આવું કંઈ બન્યું જ ન હોય તેવું લખાવવામાં આવી રહ્યું હતું અને ગુનેગારોને છાવરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો આ પ્રકરણમાં જવાબદાર ગુનેગાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવા મહિલા ન્યાય મંચ દ્વારા માગણી કરવામાં આવી હતી.