યૂરો કપમાં સ્વીડને સ્લોવાકિયાને પરાજય આપ્યો હતો. બીજી તરફ ક્રોએશિયાએ ચેક રિપબ્લિક સામેનો મુકાબલો ડ્રો કર્યો હતો. સ્વીડને સ્લોવાકિયાને 1-0થી હરાવીને નોકઆઉટ માટે પોતાની દાવેદારીને વધારે મજબૂત કરી હતી. સ્વીડનના ગ્રૂપ-ઇમાં ચાર પોઇન્ટ છે જે અંતિમ-16 માટે પૂરતા છે. સ્લોવાકિયાના ત્રણ પોઇન્ટ છે અને તેણે પોતાની પ્રથમ મેચમાં પોલેન્ડને 2-1થી હરાવ્યું હતું.
ફોર્સબર્ગે 77મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવી હતી. સ્લોવાકિયાના ગોલકીપર માર્ટિન ડુબ્રાવકાએ સબસ્ટિટયૂટ રોબિન ક્વિસનને જમીન ઉપર પાડી દીધો હતો જેના કારણે સ્વીડનને પેનલ્ટી મળી હતી.
ક્રોએશિયા અને ચેક રિપબ્લિકની મેચ 1-1થી ડ્રો રહી હતી. પેટ્રિક સ્કિકે પેનલ્ટી સ્પોટને ગોલમાં ફેરવીને પ્રથમ હાફમાં ચેક રિપબ્લિકની ટીમને 1-0થી આગળ કરી દીધી હતી. બીજા હાફની શરૂઆતમાં ઇવાન પેરિસિકે સ્કોરને 1-1થી સરભર કર્યો હતો. ત્યારબાદ મેચમાં કોઇ ગોલ નોંધાયો નહોતો અને મેચ ડ્રો રહી હતી. ચેક રિપબ્લિકની ટીમ ગ્રૂપ-ડીમાં ચાર પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ક્રોએશિયા પાસે એક જ પોઇન્ટ છે ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાયેલો યૂરો કપના ગ્રૂપ-ડીનો મુકાબલો 0-0થી ડ્રો રહ્યો હતો.