રાજ્યમાં હાલ 18 થી 44 વર્ષના યુવાઓએ વેક્સિન લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને સમય અને તારીખનો સ્લોટ મેળવવો પડે છે બાદમાં જ વેક્સિનેશન થઇ શકે છે. પરંતુ સોમવાર બપોરે 3 વાગ્યા બાદથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો વેક્સિનેશન સ્થળ પર જઈને નોંધણી કરાવી વેક્સિન લઇ શકશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ કોર કમિટીની બેઠકમાં રસીકરણને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 21 જુનથી 18 થી 44 ની વયજૂથના લોકો રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન કરાવી શકશે. સોમવારથી યુવાઓ વોક-ઇન રજીસ્ટ્રેશનનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત જેઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી જેમણે સ્લોટ મેળવ્યો છે તેમને વેક્સિનેશનમાં અગ્રીમતા આપવામાં આવશે.