રાજયમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લાં બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે પલટાયેલાં વાતાવરણ વચ્ચે ગઇકાલે સાંજથી જ મેઘરાજાની પધરામણી થઇ ગઇ હતી. ખાસ કરીને કાલાવડ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામે પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં મોટી વાવડી ગામની નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં. જેને પરિણામે મોટી વાવડી તરફનો માર્ગ પણ થોડાં સમય માટે બંધ થઇ ગયો હતો.
આ ઉ5રાંત કાલાવડના મૂળીલા ગામે બે કલાકમાં ચાર ઇંચ જેટલાં વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યાં હતાં.કાલાવડ પંથકમાં છેલ્લાં બે દિવસથી જોરદાર વરસાદ વરસી રહ્યો હોય વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતમાં ખૂશીની લાગણી જોવા મળી હતી. કલાવડની સાથે જામજોધપુર પંથકના ધૂનડા, શેઠવડાળા, સડોદર, બુટાવદર સહિતના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઇ છે. ધીમી ધારે વરસી રહેલાં વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી હતી.