જામનગરની વિવિધ જ્ઞાતિ સમાજની વાડીઓને કોરોનાકાળમાં પ્રોપર્ટી ટેકસ, વિજ બીલ સહિતના વિવિધ ટેક્સમાં રાહત આપવા વિવિધ સમાજના હોદ્ેદારોએ આવેદનપત્ર પાઠવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરી છે.
તા. 14 જૂનના રોજ જામનગર લોહાણા મહાજન વાડી ખાતે જામનગરના વિવિધ જ્ઞાતિ/સમાજ ના મુખ્ય હોદ્દેદારોની મીટીંગ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલના કો-ઓર્ડિનેશનથી મળી હતી. આ મિટિંગમાં સાંપ્રત કોરોના સમયમાં જ્ઞાતિ/સમાજની વાડીઓ, છાત્રાલયો વગેરે જગ્યાઓમાં છેલ્લા બે વર્ષથી કોઈ પ્રસંગો સરકારની ગાઈડલાઇન મુજબ ન થઈ શકતા હોય અથવા ખુબ જ મર્યાદિત લોકો માટે સાદાઈથી થતા હોય, દરેક જ્ઞાતિ/સમાજને કોઈજાતની આવક થતી નથી. જ્યારે બિલ્ડિંગ મેન્ટેનસ, કર્મચારીઓના પગારો, વીજ બિલ, પ્રોપર્ટી ટેક્ષ જેવા અનેક ખર્ચ વાડીના નિભાવ માટે કરવા પડતાં હોય છે, ત્યારે દરેક જ્ઞાતિ સમાજના હોદ્દેદારોએ સરકારને રજૂઆત કરી પ્રોપર્ટીટેક્ષ, વીજબિલ તેમજ અન્ય ટેક્ષમાં બે વર્ષ માટે મુક્તિ આપવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો.
ઉપરાંત આ મિટિંગમાં બધા જ સમાજ/જ્ઞાતિઑ માટે ઉપયોગી થાય તેવી એપ્લિકેશનનું ડેમોસ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું. જેને દરેક જ્ઞાતિના હોદ્દેદારોએ બિરદાવેલ અને આવી એપ્લિકેશન દરેક જ્ઞાતિ માટે ઉપલબ્ધ થાય તે માટે વિશેષ રસ દાખવ્યો હતો.
આ તકે દરેક જ્ઞાતિના પ્રમુખ/અગ્રણી હોદ્દેદારોએ જામનગરના સમસ્ત જ્ઞાતિઓનું એક સંગઠ્ઠન સર્વજ્ઞાતિ સંગઠ્ઠન-જામનગર નામે બનાવી થોડા થોડા સમાયાંતરે મિટિંગ કરી બધા સમાજો સાથે મળી સામાજીકહિતના અને લોકોપયોગી દરેક કાર્યો લોકો સુધી પહોંચાડવા માટે કટીબધ્ધતા દર્શાવી હતી.
ત્યારબાદ મુખ્યમંત્રીને સંબોધીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, લોકડાઉન અને સરકારના નિયમોને કારણે કોઇપણ સમાજની વાડી કે, જ્ઞાતિની જગ્યામાં બે વર્ષથી કોઇ પ્રસંગોની ઉજવણી ન થતાં દરેક જ્ઞાતિ-સંસ્થાઓના મોટા-મોટા બિલ્ડીંગો વપરાયા વગર અને કોઇપણ જાતની આવક વગર પડયા રહ્યાં છે, વળી સરકારના આહવાન સમયે જ્યારે કોરોનાની મહામારી પીક લેવલ પર હતી જ્યારે જ્ઞાતિઓએ પોતાના સમાજની વાડીઓ છાત્રાલયો સહિત વિવિધ ઇમારતો કોવિડ કેર સેન્ટર, આઇસોલેશન સેન્ટર માટે કોઇપણ જ્ઞાતિના ભેદભાવ વિના ખુલ્લા મૂકી દીધા હતાં. ત્યારે દરેક જ્ઞાતિ-સંસ્થાઓ, વાડીઓ, છાત્રાલયો અને હોલ વગેરેમાં જે કંઇ પણ પ્રોપર્ટી ટેક્સ, વિજબીલ અને સરકારી વેરાઓ સહિતના ટેક્સમાં માફી આપવા માંગણી કરી છે.
જામનગરની વિવિધ જ્ઞાતિની વાડીઓને ટેક્સમાં રાહત આપવા માંગણી
જામનગરના જ્ઞાતિ-સમાજોની મિટિંગ યોજાઇ : મુખ્યમંત્રીની રજૂઆત કરાઇ : તમામ જ્ઞાતિઓને ઉપયોગી થાય એવી એપ્લિકેશનનું ડેમોસ્ટ્રેશન કરાયું