ઓખા મંડળના બેટ દ્વારકા ખાતે આવેલી એવી હાલ રાજકોટ રહેતા એક વિપ્ર પ્રૌઢની આશરે રૂ. અડધા કરોડ જેટલી કિંમત ધરાવતી દુકાન તથા વાળાની જગ્યા પર છેલ્લા આશરે દોઢેક દાયકાથી કબજો રાખવા સબબ બેટ દ્વારકાના રહીશ એવા એક યુવાન સામે ઓખા મરીન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની ફરિયાદ રાજકોટના કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં રહેતા અજીતભાઈ પ્રેમશંકરભાઈ જોશી નામના 58 વર્ષિય બ્રાહ્મણ પ્રૌઢે બેટ દ્વારકાના રહીશ બ્રિજેશ મૂળરાજભાઇ મહેતા સામે ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવી છે. આ પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ બેટ દ્વારકા વિસ્તારમાં આવેલી સિટી સર્વે નંબર 35 વાળી 835 ચો.મી. જગ્યા છેલ્લા ઘણા સમયથી ફરિયાદી અજિતભાઈના સાહેદ પરિવારજનોના નામે છે. આ જગ્યા પર તેમના દ્વારા 100 ફૂટની બે માળની એક દુકાન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત દુકાન સાથે નજીકના આવેલો 100 વારનો એક પ્લોટ બેટ દ્વારકાના બ્રિજેશ મૂળરાજભાઇ મહેતાએ છેલ્લા આશરે 15 વર્ષથી પોતાની પાસે રાખી, આ તમામ જગ્યા પર ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો છે.
આમ રૂપિયા 50 લાખ જેટલી જગ્યા પર અધિકૃત રીતે દબાણ કરવા સબબ ઓખા મરીન પોલીસે બ્રિજેશ સામે જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી અહીંના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.