ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી સાઉધમ્પટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમાશે. ઇતિહાસની આ સૌ પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ છે. ક્રિકેટ ચાહકો માટે હતાશાજનક સમાચાર એ છે કે પાંચે ય દિવસ ઉપરાંત જે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે તેમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આ ટેસ્ટ ડ્રોમાં પરિણમશે તો બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. ભારતની ટીમ આમ તો તેના રેકોર્ડ અને જે રીતે ઓસ્ટ્રેલિયામાં રમ્યું અને તે પછી ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીત્યું તે જોતાં તેમજ કોહલી, રોહિત શર્મા, પૂજારા, રહાને અને પંત જેવા બેટ્સમેનો જોતાં વધુ મજબુત છે. બોલિંગમાં પણ બુમરાહ ઘાતક છે. શમી, ઇશાંત શર્મા વિદેશની પીચો પર પ્રભાવી પુરવાર થયા છે. પીચ સ્પિનરોને આગળ જતા યારી આપશે તેમ માનીને ભારતે ઇલેવનમાં અશ્ર્વિન અને જાડેજા બંનેનો સમાવેશ કર્યો છે. ભારત-ન્યુઝિલેન્ડ સામે 2020ના ફેબુ્રઆરી પ્રવાસમાં ભારત 0-2થી ટેસ્ટ શ્રેણી હાર્યું હતું. આની સામે ન્યુઝિલેન્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસે બે ટેસ્ટ શ્રેણી રમીને ભારત સામે ઉતરશે તેમાં પણ ન્યુઝિલેન્ડ 1-0થી શ્રેણી જીત્યું તે સિદ્ધિના સથવારે ભારત સામે ટકરાશે.
ગમે તેટલી પ્રેક્ટિસ કે એક જ ટીમને બે ટીમમાં વહેંચીને રમીને વોર્મ અપ કરીએ પણ સ્પર્ધાત્મક ક્રિકેટ અને તે પણ જ્યાં ફાઇનલ રમાવાના હોય તે જ દેશમાં મળે તેનાથી ઉત્તમ કંઈ જ ન હોઈ શકે, જે ન્યુઝિલેન્ડને ફાયદો મળ્યો. ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડનારા ક્રિકેટરો જાણે છે કે ઇંગ્લીશ કંડીશનથી અનુકૂળ થવું તે પણ મેચ જીતવા જેટલું મહત્ત્વનું છે તે ફાયદો પણ ન્યુઝીલેન્ડને મળ્યો છે. ન્યુઝીલેન્ડ પાસે કોહલીની લગભગ સમાન ક્ષમતા ધરાવતો ટેસ્ટ ખેલાડી કેપ્ટન વિલિયમસન છે. જ્યારે સૌથી અનુભવી રોઝ ટેલર છે. કોન્વેએ ઇંગ્લેન્ડ સામે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટમાં જ 200 રન ફટકાર્યા હતા. તે નવી પેઢીના ક્રિકેટરોમાં ખોજ તરીકે જોવાય છે. નિકોલ્સ, યંગ, બ્લન્ડેલ પણ રન બનાવી ચૂક્યા છે. સાઉધી અને બોઉલ્ટનો પરિચય ક્રિકેટ વિશ્વને આપવાની જરૂર નથી. જેમિસન પણ ભારે આશાસ્પદ મેચવિનર બોલર છે. સ્પિન વિભાગમાં એજાઝ પટેલને સ્થાન અપાયું છે. સ્લો લેફ્ટ આર્મ સ્પિનર 32 વર્ષીય એજાઝ મુંબઈમાં જન્મેલો છે. બંને ટીમ વિદેશની ભૂમિ પર સમાન તાકાત ધરાવે છે. થોડો ફાયદો ન્યુઝીલેન્ડની તરફ છે તેમ કહી શકાય.
ભારતની ટીમ : કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પૂજારા, અજિન્ક્યા રહાને (વાઇસ કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવીચન્દ્ર અશ્ર્વિન, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, ઉમેશ યાદવ, હનુમા વિહારી અને રિદ્ધિમાન સહા. (જેમાંથી હનુમા વિહારી, સહા, ઉમેશ યાદવ અને સિરાજનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ નથી કરાયો.) ન્યુઝીલેન્ડની ટીમ : હેન વિલિયમસન (કેપ્ટન), ટોમ બ્લન્ડેલ, ટ્રેન્ટ બોઉલ્ટ, ડેવોન કોન્યે, કોસિન ડી ગ્રાન્ધોમ, મેટ્ટ હનરી, કાયસ જેરિસન, ટોમ લાથમ, હેનરી નિકોલ્સ, એજાજ પટેલ, ટીમ સાઉધી, રોસ ટેલર, નેઇલ વાગ્નેર, બીજે વોલ્ટિંગ અને વિલ યંગ