મેઘરજના રાયવાડા ગામની યુવતીનું લગ્નની લાલચ આપીને અપહરણ કરી જવા અંગે એ ગામના પુજારી સહિત ત્રણ સામે ફરિયાદ થઇ છે. આ અંગે યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં પુજારી કિશન રાજેન્દ્રભાઇ પુરોહિત, સિસોદરાના સિધ્ધરાજ નાનાભાઇ પટેલ અને સાકરિયાના રવિ ભરવાડના આરોપી તરીકે નામ આપ્યા હતાં. આ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે, તેના ગામના મંદિરમાં પુજા-પાઠ કરવા માટે મેઘરજના કિશન પુરોહિતની પગાર ભથ્થા પર નિમણૂક કરવામાં આવી હતી. બાદમાં ક્શિને તેની પ્રેમજાળ ફેલાવી હતી. તેની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી હતી. પુત્રીને મોબાઇલ ફોન પણ આપ્યો હતો. બે માસ અગાઉ પુજારી કિશન અને તેના બે સાથીદાર સિધ્ધરાજ અને રવિ ઇનોવા કાર લઇને આવ્યા હતાં અને તેની પુત્રીનું અપહરણ કરી ગયા હતાં. આબરૂ જવાની બીકે ફરિયાદ કરી ન હતી. બે માસના અંતે પણ પુત્રી પરત નહી આવતાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે એ ત્રણેયને ઝડપી લેવા પ્રયાસ શરૂ કર્યા છે.