જામનગર, જોડિયા, ધ્રોલ તાલુકાના સંખ્યાબંધ ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી અંગે જામનગર ગ્રામ્ય ધારાસભ્ય દ્વારા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખી રજૂઆત કરી છે.
જામનગર, જોડિયા અને ધ્રોલ તાલુકાના સંખ્યાબંધ ગામોમાં હાલ પીવાના પાણીની મુશ્કેલી છે. હાલ ઉનાળાની સિઝન હોય પાણીની જરૂરિયાત વધુ છે. જ્યારે પીવાના પાણીના સ્થાનિક સ્ત્રોતમાં પાણી ઉપલબ્ધ ન હોય બહારથી પાઇપલાઈન મારફત ટેન્કર વડે પાણી પૂરુ પડે તેમ છે.
આ માટે જામનગર તાલુકાના રામપર, ઢીંચડા, રાવલસર, નેવીમોડા, નાની માટલી, નાના થાવરિયા, મોટા થાવરિયા, ચેલા-2, ઠેબા, મસીતિયા વાડી વિસ્તાર, ખંભાલિડા મોટોવાસ, ધ્રોલ તાલુકાના લતિપુર, મોટા ગરેડિયા, જોડિયા તાલુકાના બાલંભા અને કુનડ ગામોને તાત્કાલિક પીવાના પાણીની વ્યવસ્થા કરવા જામનગર પાણી પૂરવઠા વિભાગના અધિકારીઓને અને રાજ્ય સરકારમાં ધારાસભ્યએ અવાર-નવાર રજૂઆત કરી હતી. પરંતુ આ ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી નિવારવા જામનગર પાણી પૂરવઠા વિભાગ અને સંબંધિત રાજ્યના પાણી પૂરવઠા અધિકારીઓ દ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને આ ત્રણેય તાલુકાના ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ર્ન યથાવત છે. જેથી આ બાબતે પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને સ્થાનિક પોલીસ પૂરવઠા વિભાગના અધિકારીઓની અને રાજ્ય અધિકારીઓની બેદરકારી બાબતે ધારાસભ્ય રાવઘજીભાઇ પટેલએ રજૂઆત કરેલ છે અને યુધ્ધનો ધોરણે પીવાના પાણીનો પ્રશ્ર્ન નિવારવા જણાવેલ છે.
જામનગર, જોડિયા અને ધ્રોલમાં પીવાના પાણીની મુશ્કેલી અંગે રજૂઆત
જામનગર ગ્રામ્ય ધારાસભ્ય દ્વારા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત