ભાવનગરના ગારિયાધારના મોટી વાવડી ગામે આવેલ તળાવમાં 4 બાળકો ન્હાવા ગયા હતા. અને પાણીમાં ડૂબી જતા તમામના મૃત્યુ નીપજતા પંથકમાં અરેરાટી છવાઈ ગઈ છે. 4 મૃતકો પૈકી બે સગા ભાઈઓ હતા. આ તળાવમાં હજુ થોડા દિવસ પહેલા સૌની યોજના હેઠળના પાઇપલાઇન દ્વારા પાણી ભરવામાં આવ્યું હતું.
બનાવની વિગતો મુજબ ગારીયાધારના મોટી વાવડી ગામે ચાર બાળકો ગામના પાદરમાં આવેલ તળાવમાં ન્હાવા ગયા હતા અને સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી. જેમાં તળાવના કાંઠે સાયકલ તેમજ બાળકોના ચપ્પલ મળી આવતાં બાળકો ડૂબી જવાની શંકા જતા ગ્રામજનો દ્વારા તળાવમાંથી બાળકોની લાશ બહાર કાઢવામાં આવી હતી મૃતકોમાં બે સગા ભાઈઓ તરુણ શંભુભાઈ ખોખર(ઉ.વ.11) અને મિત શંભુભાઈ ખોખર(ઉ.વ.12) તથા જયેશ ભુપતભાઈ કાકડીયા (ઉ.વ.10), મોન્ટુ હિંમતભાઈ ભેંડા (ઉ.વ.11)નો સમાવેશ થાય છે.
આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. અને ચારે મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. એકાએક ચાર બાળકોના મૃત્યુ નીપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.