ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હજુ 18 મહિનાની વાર છે તે પહેલા એક સાથે અનેક યોગોનુયોગ રાજકીય ઘટનાઓ આકાર લઈ રહી છે. જેના એક ભાગરૂપે હવે અહીં આમ આદમી પાર્ટીનો વિધાનસભાની ચૂંટણીમાં વિધિવત પ્રવેશ થઈ રહ્યો છે. આપ પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરાવિંદ કેજરીવાલે આજે મોદી અને શાહની ધરતી પર જાહેરાત કરી હતી કે તેઓ ગુજરાતની પ્રજાને એક મજબૂત વિકલ્પ પૂરો પાડશે કેમ કે ગુજરાતમાં છેલ્લાં 27 વર્ષથી ભાજપ અને કોંગ્રેસ એકબીજાની સાથે હળીમળીને રાજ ચલાવી રહ્યા છે અને ગુજરાતની પ્રજા પરેશાન છે.
તેમની હાજરીમાં પૂર્વ મીડિયાકર્મી ઇશુદાન ગઢવી ‘આપ’માં જોડાયા બાદ, વલ્લભ સદન ખાતે કેજરીવાલે ભરચક પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે 2022ની વિધાનસભાના ચૂંટણી જંગમાં તેમનો પક્ષ તમામ 182 બેઠક પર ઉમેદવારો ઊભા રાખશે અને અત્યાર સુધી ગુજરાતની પ્રજા પાસે કોઇ મજબૂત વિકલ્પ ન હતો તે અમે પૂરો પાડીશું. પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરાવિંદ કેજરીવાલે અમદાવાદ સ્થિત આપ પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ સમયે જ ‘આપ’ પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબાસિંહ યાદવ સહિત અન્ય ચારનું ખિસ્સું કપાયાની પણ ઘટના ઘટી હતી.
અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ગુજરાતમાં એવું કહેવાય છે કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. તો આ સાથે જ ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ગુજરાતની જનતા પરેશાન છે, વેપારીઓ ડરેલા છે. એટલું જ નહીં થોડા સમય પહેલાં ગુજરાત ચેમ્બર્સે મને આમંત્રણ આપ્યું હતું પરંતુ સરકારે ચેમ્બર્સને દબાણ કરી મારો કાર્યક્રમ રદ્દ કર્યો હતો. નોંધનીય બાબત એ છે કે વૈષ્ણવોના ધામ એવા વલ્લભ સદને કોઈ પણ રાજકીય પાર્ટીને પત્રકાર પરિષદ યોજવા માટે તેનો હોલ ક્યારેય ભાડે આપ્યો નથી જ્યારે આજે વલ્લભ સદનમાં ‘આપ’ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદને લઈને અમદાવાદમાં વલ્લભ સદન ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે દિલ્હી મોડેલ અલગ મોડેલ છે, ગુજરાતની સમસ્યાઓ માટે અલગ ગુજરાત મોડેલ આમ આદમી તૈયાર કરીને પ્રજા સમક્ષ જાહેર કરશે. ગુજરાતમાં પ્રજા ભાજપ અને કોંગ્રેસના અરસપરસ હિતો જાળવવાની દોસ્તીનાં કારણે હેરાન થઈ રહી છે. કોરોન કાળમાં આખી દુનિયાએ જોયું કે ગુજરાત જાણે કે અનાથ બની ગયું હોય તેવી પારાવાર મુશ્કેલીઓનો સામનો ગુજરાતના લોકોને કરવો પડયો છે પરંતુ હવે ગુજરાત બદલાશે. ગુજરાતમાં પરિવર્તન આવશે અને જેમ દિલ્હી બે કરોડ વસ્તીને અમારી સરકારે તમામ સુખ સુવિધા, સસ્તી વીજળી, સારું શિક્ષણ, સારી આરોગ્ય સુવિધા પૂરી પાડી તેમ ગુજરાતની પ્રજાને પણ એવી જ રીતે શ્રેષ્ઠ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરશે.
તેમણે એક સવાલના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ અંગે નામોચ્ચાર કરવાનું ટાળીને એમના વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી જેને સૂચક માનવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં એક પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે ભાજપને કોંગ્રેસ ભાજપના અણીના સમયે તમામ પ્રકારની સહાય કરતી હોવાના કેટલાય કિસ્સા ગુજરાતમાં બન્યા છે. આનો અર્થ એ થાય કે રાજ્ય સભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો ઓચિંતા રાજીનામાં આપીને ભાજપની સાથે દોસ્તીની નિભાવતા હોવાનું ફલિત થાય છે.
15મી ગુજરાત વિધાનસભાની રચના માટે ડિસેમ્બર 2022 સુધીમાં ચૂંટણી યોજાશે તે નક્કી છે. કોરોનાકાળના સવા વર્ષ બાદ હવે માંડ 14-15 મહિનાનો સમય રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવનું અપડાઉન શરૂ થઈ ગયું છે. રવિવારે દિલ્હી પરત ગયેલા યાદવ મંગળવારે વિધાનસભા ભવનના ઓડિટોરિયમમાં સાંજે મળનારી સરકાર-પ્રદેશ સંગઠન સાથે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ઉપસ્થિત રહેશે. તે પહેલા સવારે કોબા સ્થિત પ્રદેશ કાર્યાલયમાં વિવિધ મોરચા પદાધિકારીઓ સાથે પણ બેઠક યોજશે.
કોરોનાનો સેક્ધડ વેવ ઓસર્યા બાદ ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવનો ગત સપ્તાહે અચાનક ત્રણ દિવસનો પ્રવાસ જાહેર થયો હતો. જો કે, શુક્રવારે કોરગ્રુપ અને શનિવારે 12 જેટલા નેતાઓ સાથે બંધ બારણે વન ટુ વન બેઠકો કર્યા બાદ અચાનક જ દિલ્હી પરત જતા રહ્યા હતા. હવે તેઓ પરત આવી રહ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે સાંજે ગાંધીનગરમાં ભાજપના તમામ 112 ધારાસભ્યોની બેઠક બોલાવી છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના ભાજપના હોદેદારો પણ ઉપસ્થિત રહેવાના છે. આ બેઠકમાં કોરોના અને તાઉતે વાવાઝોડા દરમિયાન સરકારે કરેલી કામગીરીના પ્રેઝન્ટેશન થશે.
ધારાસભ્યોના સુચનો પણ માંગવામાં આવશે. ચૂંટણી પહેલા કામગીરીના હિસાબ સાથે મતદારો વચ્ચે ઉતરવાનો રસ્તો પણ આ બેઠકમાં તૈયાર થશે.
ગુજરાતમાં જંગ પહેલાં શૂરાઓ ખખડાવી રહ્યા છે ખાંડા
સોમવારે કેજરીવાલના ધમાકા પછી, આજે ભાજપા ધારાસભ્યોની બેઠક