Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સશ્રીલંકા સામેની શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: ધવન કેપ્ટન

શ્રીલંકા સામેની શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: ધવન કેપ્ટન

- Advertisement -

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાએ આગામી શ્રીલંકા પ્રવાસ માટે નવા લૂક સાથેની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં શ્રીલંકામાં રમાનાર ત્રણ વન-ડે અને ત્રણ ટી20 મેચ માટે ટીમ ઈન્ડિયાના સુકાનીની જવાબદારી ડાબોડી બેટ્સમેન શિખર ધવનને સોંપવામાં આવી છે. બોર્ડે જાહેર કરેલી ટીમમાં મિડલ ઓર્ડર બેટ્સમેન નીતીશ રાણા, ઓલ રાઉન્ડર કે ગૌથમ, ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અને ઝડપી બોલર ચેતન સાકરીયા સહિતના નવોદિતોને ટીમ ઈન્ડિયામાં તક આપવામાં આવી છે.

- Advertisement -

આ ઉપરાંત દેવદત્ત પડીક્કલને પણ બેટ્સમેન તરીકે ટીમમાં લેવાયો છે જ્યારે ઈશાન પોરેલ, સંદીપ વરિયર, અર્ષદીપ સિંહ, સાંઈ કિશોર અને સિમરજીત સિંહને નેટ બોલર્સ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શ્રીલંકા સામેની શ્રેણીની તમામ મેચો કોલંબો સ્થિત આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે તેમ બોર્ડે પુષ્ટિ કરી હતી. અગાઉ જાહેર થયેલા કાર્યક્રમ મુજબ 13, 16 અને 18 જુલાઈના રોજ વન-ડે મેચ યોજાશે જ્યારે 21, 23 અને 25 જુલાઈના ટી20 મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે ભારતની મૂળ ટીમના કેટલાક ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ તેમજ ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની શ્રેણીમાં વ્યસ્ત હોવાથી બોર્ડે શ્રીલંકા પ્રવાસ માટે નવી ટીમ જાહેર કરી છે. સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન સહિતના યુવા ખેલાડીઓને પણ શ્રીલંકા સામેની શ્રેણીમાં ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યા છે.

ભુવનેશ્વર કુમાર સૌથી અનુભવી ઝડપી બોલર રહેશે અને દીપક ચહર, નવદીપ સૈની તેમજ ગુજરાતી બોલર ચેતન સાકરીયાને પણ ટીમમાં સામેલ કરાયા છે. સ્પિન એટેક માટે યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર અને કુલદીપ યાદવને જ્યારે ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને કે ગૌથમને તક આપવામાં આવી છે. સંજુ સેમસન તેમજ ઈશાન કિસનને વિકેટકીપર બેટ્સમેન તરીકે લેવામાં આવ્યા છે. શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ: શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સુર્યકાર યાદવ, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, નીતીશ રાણા, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, કે ગૌથમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, નવદીપ સૈની અને ચેતન સાકરીયા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular