કોરોનાકાળમાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશવાસીઓ માટે પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ પડયા પર પાટુ મારવાનું કામ કરી રહ્યા છે. દેશમાં અનેક શહેર એવા છે કે, જ્યાં પેટ્રોલનો ભાવ રૂા. 100 પ્રતિ લિટરને પાર પહોંચી ગયો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી દેશવાસીઓ ત્રાહિમામ પોકારી ચૂકયા છે અને હવે આ મોંઘવારીથી છૂટકારો માંગી રહ્યાં છે. ત્યારે આજરોજ જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા અંગે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જામનગરમાં કોંગ્રેસ દ્વારા લાલબંગલા સર્કલ ખાતે પેટ્રોલ-ડિઝલના ભાવવધારા સામે ધરણા યોજી પોસ્ટરો દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાડી ડબલસવારી સાયકલ ચલાવી પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ તકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), જામનગર મહાનગરપાલિકા વિરોધપક્ષ નેતા અલ્તાફ ખફી, સહારાબેન મકવાણા, રચનાબેન નંદાણીયા,આનંદભાઇ રાઠોડ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો-અગ્રણીઓ, હોદ્ેદારો વગેરે ઉપસ્થિત રહી પેટ્રોલ-ડિઝલના ભાવવધારાનો વિરોધ કર્યો હતો.