જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં નજીવી બાબતે યુવાન સહિત ચાર વ્યકિતઓ ઉપર પાંચ શખ્સોએ છરી વડે અને સોડાની ખાલી બોટલો તેમજ પત્થરોના ઘા કરી ઈજા પહોંચાડયાના બનાવમાં ઘવાયેલા વ્યકિતઓને રાત્રિના જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર-1 વિસ્તારમાં રહેતા સલીમ હોથીભાઈ નોતિયાર નામના યુવાનને ગુરૂવારના સાંજના સમયે તેજ વિસ્તારમાં રહેતા અકિલ યાસીન સફિયા નામના શખ્સે મારી બહેનનું નામ લેતો નહીં તેમ કહી છરી વડે બન્ને હાથમાં એક એક ઘા માર્યો હતો. જ્યારે અનિસ ઉપર છરી વડે છાતીના ભાગે ઈજા પહોંચાડી હતી તથા નવાઝ ઉપર પણ છરી વડે અને મામદ કાસમ ઘુઘા ઉપર છરી વડે હાથમાં અને ખંભામાં ઘા ઝીંકયા હતાં. તેમજ અન્ય શખ્સોએ સોડાની બોટલોના છૂટા ઘા તેમજ પત્થરના છૂટા ઘા મારી ઈજા પહોંચાડી હતી. અકિલ યાસિન સફિયા, સાહિદ યાસિન સફિયા, યાસિન સફિયા, યાસિનની પત્ની અને ભાઈ સહિત પાંચ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ચાર વ્યકિતઓને ઈજા પહોંચી હતી.
ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગેની જાણ થતા પીએસઆઈ કે.વી. ચૌધરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ ઈજાગ્રસ્ત સલીમના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના ધરારનગરમાં નજીવી બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો
પાંચ શખ્સો દ્વારા માર મરાતા યુવાન સહિત ચારને ઈજા : સોડાની બોટલો અને પત્થરોના ઘા કર્યા : પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ