જામનગર જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ મિશન દ્વારા કરવામાં આવેલ મૂલ્યાંકનમાં પીપરટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટીફીકેશન માટે પસંદગી કરવામાં આવી છે. સમગ્ર ભારત દેશમાં કુલ 177 આરોગ્ય કેન્દ્રોની આ માટે પસંદગી કરાઈ છે. જેમાં જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ પણ પોતાનું સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રીય કક્ષાએ જામનગર જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.
પીપરટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ કરવામાં આવેલ તમામ મૂલ્યાંકનમાં 91.54 ટકાનો સ્કોર હાંસલ કરી આ સ્થાન મેળવ્યું છે. પીપરટોડા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.પી.એમ.ખાણધર તથા સમગ્ર સ્ટાફની સરાહનીય કામગીરીનો પીપરટોડા ગામ સહિત આસપાસના અન્ય 20 જેટલા ગામોને પણ લાભ મળી રહ્યો છે.
આ અંગેની જાણ કરતો પત્ર નેશનલ હેલ્થ મિશનના અધિક સચિવ અને ડાયરેક્ટર વંદના ગુરુનાની દ્વારા રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પૂર્વ અગ્રસચિવ જયંતિ એસ.રવિને સંબોધીને પાઠવવામાં આવ્યો હતો.
વર્ચ્યુઅલ મૂલ્યાંકન, રાજ્યનું પ્રમાણપત્ર, દસ્તાવેજની ચકાસણી, વૈજ્ઞાનિક અને કાયદાકીય પૂર્તી, મહત્વપૂર્ણ કાર્યક્ષમતા વગેરેના સ્કોરના આધારે આ સમગ્ર મૂલ્યાંકન અને ગુણાંકન કરવામાં આવે છે.આ સિવાય ઓ.પી.ડી, લેબોરેટરી, લેબર રૂમ, ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને સામાન્ય વહીવટ સહિતની બાબતોને પણ આ પ્રમાણપત્રના મૂલ્યાંકન અને ગુણાંકન માટે ધ્યાનમાં લેવામાં આવે છે. દેશના કુલ 177 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આ માટે લાયક માનવામાં આવ્યા છે. તેમાં ગુજરાતના 18 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, જામનગર શહેરના કામદાર કોલોની શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પણ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે. આમ જામનગર જિલ્લા કક્ષાએ બે આરોગ્યકેન્દ્રોએ સાથે આ સિદ્ધિ મેળવીને જિલ્લાને ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ સન્માન પ્રાપ્ત કરાવી આરોગ્ય ક્ષેત્રે પોતાનો પરચમ લહેરાવ્યો છે.
લાલપુર તાલુકાના પીપરટોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નેશનલ કવોલિટી એશ્યોરન્સ સર્ટીફીકેશન મળ્યું
જામનગર જિલ્લા કક્ષાએ શહેર અને ગ્રામ્યના કુલ 2 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોએ મેળવી સિધ્ધિ