કોરોનાની ગતિ મંદ પડતાં ગુજરાતમાં રાજકીય ગતિવિધી તેજ બની છે.એક બાજુ, કોંગ્રેસે પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષનાનેતાની શોધખોળ આદરી છે તો, દિલ્હીમાં મળેલી બે દિવસીય રાષ્ટ્રીય કારોબારી બાદ હાઇકમાન્ડને આદેશને પગલે ગુજરાત ભાજપ સંગઠન-સરકાર હરકતમાં આવ્યુ છે.
આગામી 15મી જૂને પાટનગર ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની એક બેઠકનું આયોજન કરાયુ છે. ટૈાટે વાવાઝોડા-કોરોનામાં રાજ્ય સરકારે કરેલી કામગીરીનુ પ્રેઝન્ટેશન રજૂ કરાશે સાથે સાથે વિધાનસભાની ચૂંટણીલક્ષી ચર્ચા પણ કરાશે. કોરોનાની મહામારી વચ્ચે ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણીઓ જીતવા રાજકીય કવાયત હાથ ધરી છે. ગુજરાત, ગોવા સહિતના પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે. દિલ્હીમાં મળેલી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આ વિધાનસભાની ચૂંટણીઓ જીતવા રોડમેપ તૈયાર કરાયો છે જેના પગલે ભાજપ હાઇકમાન્ડે પાંચેય રાજ્યના પ્રદેશ પ્રમુખને વિધાન સભાની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારીઓ કરવા આદેશ કર્યો છે . તા.15મી જૂને પાટનગર ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની એક બેઠક બોલાવવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાના હોલમાં મળનારી આ બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ ફરજિયાત હાજર રહેવા આદેશ કરાયો છે.સૂત્રોના મતે,આ બેઠકમાં ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં જઇને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાથી મતદારોનો વાકેફ કરવા,લાભ અપાવવો,કોરોનામાં અપુરતી આરોગ્ય સેવાઓને લીધે નારાજ લોકોનો કેવી રીતે રોષ ઠંડો પાડવો , રસીકરણને વેગ આપવા કામગીરી કરવી, આ બધીય કામગીરી થકી મતદારોમાં ભાજપ સરકાર-સંગઠન લોકોને પડખે છે તેવો વિશ્ર્વાસ ઉભો કરવો.
આ બધુય કરવા માટે ધારાસભ્યોને લોકો વચ્ચે જવા આદેશ કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો, પ્રદેશના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને જ ચર્ચા વિચારણા કરવામાં આવે તેવી પૂરેપુરી શક્યતા છે.
જોકે, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું છેકે, કોરોનાના કારણે છેલ્લા બે મહિનાથી ભાજપના ધારાસભ્યોની બેઠક મળી નથી.આ બેઠકમાં આરોગ્યલક્ષી ઉપરાંત વાવાઝોડામાં કરાયેલી કામગીરીનુ પ્રેઝન્ટેશન રજૂ કરાશે. સંભવિત ત્રીજી લહેરની શક્યતાને જોતાં સરકારે કરેલી તૈયારીઓ અંગે પણ ધારાસભ્યોને વાકેફ કરાશે. રસીકરણને વેગવંતુ કરવું શું શું કરવું તે અંગે પણ ચર્ચા વિચારણા કરાશે.
કોરોનાની બીજી લહેર બાદ ગુજરાતમાં રાજકારણ તેજ બન્યુ છે. ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. તા.11મીએ ભૂપેન્દ્ર યાદવ અમદાવાદ આવશે અને કમલમ ખાતે પ્રદેશના નેતાઓ ઉપરાંત વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે પણ સંગઠનાત્મક ચર્ચા કરશે.