કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામની કાળીધાર સીમમાં પ્રૌઢા એ અનૈતિક સંબંધ બાંધવાની ના પાડતા બે શખ્સોએ પ્રૌઢાનું ગળેટૂંકો જઈ હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ હત્યાના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાની ભલસાણ ગામની કાળીધાર સીમમાં આવેલા કણજારીયુ ડેમની પાળ નજીકના વિસ્તારમાંથી લાખા સોલંકી નામના રબારી યુવાનને ગત તા.30 મે ના રોજ માનવકંકાલ નજરે પડતા પીએસઆઈ એચ.વી. પટેલ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલ માનવકંકાલ (હાડપીંજર) કબ્જે કરી તપાસ હાથ ધરતા પ્રાથમિક તારણમાં આ માનવ કંકાલ 10 થી 15 દિવસ પહેલાંનું સમયગાળા દરમિયાન અને કોઇ મહિલાનું હોવાનું જાણવા મળ્યું હતું તેમજ મહિલાની ઉંમર આશરે 40 થી 45 વર્ષની હોવાનું અને મહિલાએ કાળા-સફેદ-જીણી લાઈનીંગ વાળો શર્ટ અને બ્લુ કલરનું બ્લાઉઝ તથા બ્લુ કલરનો ચણીયો અને પીળી તથા બ્લુ કલરની ડીઝાઈનવાળી સાડી પહેરેલી હતી.
બાદમાં પોલીસે આ બનાવની તપાસ હાથ ધરતા બે સપ્તાહ પૂર્વે મધુબેન રમેશભાઇ વાઘેલા (ઉ.વ.50) નામના પ્રૌઢાનો મૃતદેહ હોવાનું ખૂલ્યું હતું અને આ અંગે તેણીના કૌટુંબિક રામજી મંજરિયાએ ઓળખ કરી હતી. ત્યારબાદ પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરતા ભુરો છગન વાજેલિયા અને રસિક મકા વાઘેલા નામના બે શખ્સોને મધુબેન સાથે અનૈતિક શરીર સંબંધ રાખવો હતો. જે રાખવાની મધુબેને ના પાડી હતી અને બન્ને આરોપીઓને અપશબ્દો બોલી નાતમાં બહાર કરવાની તેમજ દુષ્કર્મ આચર્યાનો પોલીસ કેસ કરવાની ધમકી આપી બુમાબુમ કરતા ભુરા છગન અને રસિક મકા નામના બન્ને શખ્સોએ ઉશ્કેરાઈને રસિકે પ્રૌઢાના પગ પકડી રાખ્યા હતાં. જ્યારે ભુરાએ મૃતકની ચૂંદડીમાંથી લીરો ફાડીને ગળેટૂંકો જઈ હત્યા નિપજાવી નાશી ગયા હતાં. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.
અનૈતિક સંબંધ રાખવાની ના પાડતા બે શખ્સો દ્વારા પ્રૌઢાની હત્યા
બે સપ્તાહ પૂર્વે નાની ભલસાણમાંથી મહિલાનું કંકાલ મળી આવ્યું’તુ : નાત બહાર કાઢવા અને દુષ્કર્મના પોલીસ કેસની ધમકી: ઉશ્કેરાયેલા બે શખ્સોએ પ્રૌઢાનું ઢીમ ઢાળી દીધું: બન્નેની પોલીસ દ્વારા ધરપકડ