દવાઓ સંગ્રહ કરવાના મામલામાં દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરના ફાઉન્ડેશન પર ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. ગૌતમ ગંભીર ફાઉન્ડેશને કોરોનાની ડ્રગ ફેબીફ્લુની કાળાબજારી કરી હોવાનું સામે આવ્યું છે.દિલ્હીના ડ્રગ કંટ્રોલરએ કહ્યું કે આ ફાઉન્ડેશન ગેરકાયદેસર રીતે દવા સંગ્રહ કરે છે અને દર્દીઓને વહેંચે છે. દિલ્હી હાઇકોર્ટે તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે.
કોરોના મહામારીમાં પ્રતિબંધિત દવાઓની જમાખોરી કરી અને મોટી માત્રામાં તેના વિતરણને લઈને દિલ્હી હાઈકોર્ટે આજે ડ્રગ કંટ્રોલરની એક્શન પર સવાલો ઊભા કર્યા છે. તો વળી બીજી તરફ ડ્રગ કંટ્રોલરે આજે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યુ હતું કે, ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને કોવિડ દર્દીઓને સત્તાવાર રીતે પ્રતિબંધિત ફેબી ફ્લૂ દવા આપવા અને તેની જમાખોરી કરવામાં દોષિત ઠેરવવામાં આવે છે.
ડ્રગ કંટ્રોલરના નિવેદન બાદ ગૌતમ ગભીરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેયર કરી છે. ટ્વિટર પર ભગતસિંહને ટાંકતા તેમણે લખ્યું કે, “હું માણસ છું અને જે કંઈ પણ માનવતાને પ્રભાવિત કરે છે તેનાથી મને મતલબ છે.”
ગૌતમ ગંભીર એપ્રિલમાં એક ટ્વીટ કર્યું હતું. આમાં તેમણે કહ્યું હતું કે દર્દીઓ તેની ઓફિસમાંથી ફેબીફ્લુ દવા લઈ શકે છે. દર્દીઓએ તેમની સાથે તેમના ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન અને આધારકાર્ડ લાવવું પડશે. આ ઘોષણા તે સમયે કરવામાં આવી હતી જ્યારે દેશભરમાં આ દવાઓનો અભાવ હતો. આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે ડ્રગ કંટ્રોલરને તપાસના આદેશ આપ્યા હતા. હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે એક તરફ અનેક લોકો આ દવા ન મળી રહી હોવાથી જીવ ગુમાવી રહ્યા છે અને બીજી તરફ ગૌતમ ગંભીર પાસે આ જ દવાનો મોટો સ્ટોક જોવા મળ્યો હતો.