દેશના દરેક ઘરને નળથી જળ પહોંચતું કરવાની લાંબા ગાળાની યોજના અંતર્ગત ભારત સરકારના જળ મંત્રાલયની રાષ્ટ્રીય જલ જીવન મિશન હેઠળની યોજનાના ભાગ રૂપે કેન્દ્ર સરકારે આગામી વર્ષ 2021-22 માટે ગુજરાત સરકારને રૂા.3410.61 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે. જેમાંથી 852.65 કરોડ રૂપિયા રાજ્યસરકારને આપી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019-20 માટે આ યોજના અંતર્ગત ગુજરાતને રૂ. 390.31 કરોડની ફાળવણી થઈ હંતી. જે વર્ષ 2020-21માં વધારીને 883.08 કરોડ કરવામાં આવી હતી. કેન્દ્રીય જળસંસાધન પ્રધાન ગજેન્દ્રસિંહે ગુજરાત માટે ચાલુ વર્ષે આ અભિયાન અંતર્ગતની રક્મ આશરે ચાર ગણી વધારી આપી છે.
જલ જીવન મિશન: હર ઘર જલ યોજનાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ,2019ના રોજ કરાવ્યો હતો. જેનો ઉદેશ વર્ષ-2024 સુધીમાં ગ્રામીણ લોકોનું અને ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓનું જીવનધોરણ સુધારીને પ્રત્યેક ઘર સુધી પીવાલાયક શુધ્ધ પાણી પહોંચાડવાનો હતો. વર્ષ 2020- 21માં ગુજરાતના 10.94 લાખ ગ્રામીણ ઘરો સુધી નળથી જળ પહોંચતું કરી દેવામાં આવ્યું છે. જ્યારે વર્ષ 2021-22 સુધીમાં વધુ 10 લાખ ઘરો સુધી નળ મારફતે શુદ્ધ જળ પહોંચાડવાની યોજના છે. રાજયમાં 92.22 લાખ ગ્રામીણ આવાસો છે. જે પૈકીના 77.21 લાખ(આશરે 83%) ઘરો સુધી પાઇપથી પાણી પહોંચતું થાય છે.
નેશનલ જલ જીવન મિશન દ્વારા આવેલી વાર્ષિક કાર્ય યોજનાને મંજૂર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આશરે 18,000 ગામડાઓ પૈકી 6700 ગામો એવા છે. જ્યાં 100% ઘરોમાં નળથી જળ પહોંચી ચૂકયું છે. વર્ષ 2020-21માં બીજા 5900 ગામોમાં 100 ટકા ધરોને હર ઘર જળ અંતર્ગત નળ દ્વારા પાણી પૂરું પાડવાની કામગીરી ચાલુ થઇ ગઇ છે. અત્રે નોંધવું જોઇએ કે, રાજ્યના પ5 જિલ્લાઓના પ્રત્યેક ગ્રામીણ ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ છે. આગામી કેટલાક મહિનાઓમાં રાજ્યના 23 જિલ્લાના 12,000થી વધુ ગામોના 100% ઘરોને હર ઘર જલ આપીને નળથી પાણી પહોંચતું કરવાની કાર્ય યોજનાને પૂર્ણ કરવામાં આવશે.
જલ જીવન મિશન માટે કેન્દ્ર સરકારે ગુજરાતને રૂા.3411 કરોડની ગ્રાન્ટ આપી
માર્ચ-2022 પહેલાં રાજયના 10 લાખ ઘરોમાં નળથી જળ પહોંચતું કરાશે