જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતાં અને શાકભાજીનો વ્યવસાય કરતા પ્રૌઢે 10 વર્ષ પૂર્વે વ્યાજે લીધેલા નાણાં લોકડાઉનના કારણે માસિક હપ્તો ન ભરી શકતા ઉઘરાણીના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 માં ભાડે મકાનમાં રહેતાં અને શાકભાજીનો વ્યવસાય કરતા જીતુભાઈ હરીભાઈ બથીયા (ઉ.વ.50) નામના પ્રૌઢે 10 વર્ષ અગાઉ પોરબંદરના મનોજ બાબુ વંજા પાસેથી રૂા.1,50,000 બે ટકાના વ્યાજે લીધા હતાં અને આ રકમનો માસિક હપ્તો 3000 નો હતો. જે હાલ લોકડાઉનના કારણે ધંધો બરોબર ચાલતો ન હોવાથી હપ્તો ચૂકવી શકયા ન હતાં. તેથી મનોજ વંજા દ્વારા રકમના હપ્તાની અવાર-નવાર ઉઘરાણી કરવામાં આવતા કંટાળીને જીતુભાઈએ શુક્રવારે સવારના સમયે નવા રેલવે સ્ટેશન પાસે ગુજરી બજાર નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો એમ.પી. ગોરાણિયા તથા સ્ટાફે પ્રૌઢનું નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાં પ્રૌઢનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
શાકભાજીનો વ્યવસાય કરતા પ્રૌઢ પાસે વ્યાજે લીધેલી રકમની ઉઘરાણી : લોકડાઉનને કારણે હપ્તો ન ચૂકવાયો : હપ્તાની ઉઘરાણીથી કંટાળી દવા ગટગટાવી