Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવિદ્યુત સ્મશાનોની વિજ બિલની રકમ ગ્રાન્ટ સ્વરૂપે આપવાનું પુન: શરૂ કરવા માંગ

વિદ્યુત સ્મશાનોની વિજ બિલની રકમ ગ્રાન્ટ સ્વરૂપે આપવાનું પુન: શરૂ કરવા માંગ

જામનગરના મોક્ષ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ગુજરાત સરકારની જુની નીતિ મુજબ સહાય આપવા રજૂઆત કરાઇ

- Advertisement -

જામનગર સહિત રાજયભરના વિદ્યુત સ્મશાનોને વિજ બીલની રકમ ગ્રાન્ટ સ્વરૂપે આપવાની બંધ કરી દેવાયેલી નીતિ પુન: અમલમાં મુકી સ્મશાન સંચાલક સ્વૈચ્છીક સંસ્થાઓને આર્થિક સહાયતા કરવા રજુઆત કરવામાં આવી છે.

જામનગરના ગાંધીનગર સ્થિત મોક્ષ મંદિરનું સંચાલન કરતા મોક્ષ મંદિર સમિતિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગિરીશ ગણાત્રાએ રાજયના મુખ્યમંત્રીને આ અંગે લખેલા પત્રમાં વિસ્તૃત રજુઆત કરતાં લખ્યું છે કે, ગુજરાતમાં વૃક્ષો ઓછા કપાય અને તેથી પર્યાવરણની જાળવણીમાં સહયોગ મળી રહે તે માટે ગુજરાતમાં વિદ્યુત સ્મશાન સ્થાપવામાં આવે તો તેના વિજબીલની રકમ રાજય સરકાર ગ્રાન્ટ સ્વરૂપે આપે તેવી યોજના-નીતિ અમલમાં હતી અને તેના કારણે રાજયમાં વિદ્યુત સ્મશાનો કાર્યરત કરવામાં સ્મશાન સંચાલક સંસ્થાઓને પ્રોત્સાહન મળ્યું હતું.

પરંતુ એ પછી અચાનક જ રાજય સરકારે વિદ્યુત સ્મશાનને વિજબીલની રકમ ગ્રાન્ટ સ્વરૂપે આપવાનું બંધ કરતાં સ્મશાન સંચાલક સંસ્થાઓ પર દર મહિને રૂા. સવા લાખ જેટલી રકમનો આર્થીક બોજ અચાનક જ આવી પડ્યો છે. જેના કારણે વિદ્યુત સ્મશાનો બંધ થવા લાગ્યા અથવા તો અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં નાણાં વસુલવાની ફરજ પડી છે.

આ પરિસ્થિતિ દરમિયાન પ્રવર્તમાન કોરોના મહામારીના કપરા કાળમાં સ્મશાન ગૃહોની કામગીરીને લક્ષમાં લઇ સ્મશાન ગૃહના કર્મચારીઓને કોરોના વોરિયર્સની વ્યાખ્યામાં સમાવવા રાજય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયને આવકારતાં મોક્ષ મંદિર સમિતિ ટ્રસ્ટે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે કોરોના કાળમાં માનવ સેવાનું અંતિમ સંસ્કાર જેવું કાર્ય સુપેરે નિભાવનાર સ્મશાન સંચાલક સંસ્થાઓને વિદ્યુત સ્મશાન અંગેના વિજ બીલની રકમ ગ્રાન્ટ સ્વરૂપે આપવાનું પુન: શરૂ કરી રાજય સરકાર સંવેદનશીલતાનું વધુ એક દૃષ્ટાંત આપશે તો તે આવકાર્ય અને માનવતા ભર્યું પગલું કહેવાશે.

આ પ્રશ્ર્ને યોગ્ય કરવા શહેરના બન્ને ધારાસભ્યો મંત્રી આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ જામનગરના સાંસદ પૂનમબેન માડમને પણ રજૂઆત કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular