જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં છેલ્લાં બે સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ક્રમશ ઘટતી જાય છે. જ્યારે મ્યુકોરમાઈકોસિસના રોગના દર્દીઓ વધતા જાય છે. શુક્રવારની સ્થિતિ મુજબ, મ્યુકોરમાઈકોસિસ વોર્ડમાં 137 દર્દીઓ સારવાર હેેઠળ છે અને 70 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે.
કોરોના મહામારીમાં જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં બે સપ્તાહથી પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થતો જાય છે અને સાથે સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. હાલમાં જી.જી. હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં એ વિભાગમાં 720 બેડની વ્યવસ્થા કરાયેલી છે. તેમજ બી વિભાગ તેમજ સી વિભાગ (સર્જરી) સહિતના ત્રણેય બિલ્ડિંગમાં હાલ કુલ 490 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જેમાં વેન્ટિલેટર અને બાય પેપ સહિતની સુવિધા સાથેના બેડનો પણ સમાવેશ થાય છે. તેમજ રિલાયન્સ દ્વારા નિર્મિત્ત હોસ્પિટલમાં હાલમાં 86 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
જામનગર કોવિડ-એ બિલ્ડિંગમાં ત્રીજા માળે તેમજ બીજા માળે મ્યુકોરમાઈકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા ચાર વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 137 દર્દીઓ સારવાર લઇ રહ્યાં હોવાનું ડો.નિરલ મોદીએ ખબર-ગુજરાતને જણાવ્યું હતું. તેમજ આ વોર્ડમાં આજ દિવસ સુધીમાં કુલ 70 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના 137 દર્દી સારવાર હેઠળ
કુલ 70 દર્દીઓની સર્જરી કરાઈ: કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો : મ્યુકોરમાઈકોસિસના કેસો વધતાં જાય છે