તૌકતે વાવાઝોડાને લીધે રાજ્યમાં ભારે નુકશાન થયું છે. સૌથી વધુ નુકસાન ખેડૂતોને થયું છે. વાવાઝોડાને લીધે રાજ્યના પાંચ લાખ હેક્ટરમાં પથરાયેલ બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. જેમાં કેરી, નાળિયેરી, ચીકુ, જાંબુ, ડાંગરના પાક બરબાદ થઈ ગયો છે. ગીર સોમનાથ અને ભાવનગરમાં કેરી, નાળિયેરી અને કેળાના પાકને નુકસાન થયુ છે. તો દક્ષિણ ગુજરાતમાં ડાંગર, કેળાનો પાક બરબાદ થયો છે. કચ્છમાં પણ કમલ ફ્રુટ અને ખારેકના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે.
રાજ્યના ખેડૂતોના કૃષિ પાક, બાગાયત પાક તેમજ પશુ પાલકોને થયેલા નુકસાનીના વળતર પેકેજની જાહેરાત આવતીકાલે મળનારી કેબિનેટ બેઠક બાદ થઈ શકે છે. 26મી મેના રોજ રાજ્યના ખેડૂતોને સારા સમાચાર સરકાર તરફથી મળી શકે છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં 5000 કરોડના નુકસાનનો અંદાજ માંડવામાં આવ્યો છે. તો બીજી તરફ સર્વેની કામગીરી પણ આગામી 2 દિવસમાં પૂર્ણ થવાની પુરી શક્યતાઓ સેવાઇ રહી છે. ખેડૂતોના યાંત્રિક ઉપકરણો અને ગોડાઉનમાં પણ જે નુકસાન થયું છે તેના માટે પણ સહાય ચૂકવવા માટેની માંગણી મુખ્યમંત્રીને પત્ર દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આવતીકાલે ખેડૂતો માટે ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે.