રાજયના 10 શહેરોમાં ગઇકાલથી શરૂ કરવામાં આવેલી વેક્સિનેશન ઝુંબેશ અંતર્ગત જામનગર શહેરમાં ગઇકાલે 5542 યુવાઓને વેક્સિન આપવામાં આવી હતી. રાજયમાં એક સપ્તાહ સુધી 10 શહેરોમાં દરરોજ એક લાખ યુવાઓને વેક્સિન આપવાનો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગરમાં 30 કેન્દ્રો પર વેક્સિન આપવામાં આવી રહી છે. આગામી 7 દિવસ સુધી દરરોજ 6,000 યુવાઓને વેક્સિન આપી શકાય તે પ્રમાણેનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જામ્યુકોના મેડિકલ ઓફિસર ડૉ. ઋજુતાએ જણાવ્યું હતું.
બીજી તરફ કેન્દ્ર સરકારે વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે 18-44 વય ગ્રુપના લોકોને વેક્સિન માટે કોઈ ઓનલાઇન એપોઈન્ટમેન્ટની જરૂર નથી. નવા નિયમ મુજબ, આ લોકો વેક્સિનેશન સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકશે અને એપોઇન્ટમેન્ટ લઈ શકશે. આ સુવિધા હાલમાં સરકારી વેક્સિનેશન સેન્ટરો પર આપવામાં આવશે, પરંતુ ગુજરાતમાં વેક્સિનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જ કરાવવું પડશે. રાજ્ય સરકાર તરફથી હજુ કોઈપણ ફેરફાર કરવામાં આવ્યા નથી.
આ વિશે આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિનેશન હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજિસ્ટ્રેશનથી થઇ શકશે તેવા જે અહેવાલો પ્રચાર માધ્યમોમાં વહેતા થયા છે તેમાં કોઇ તથ્ય નથી.રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજિસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત્ છે. સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજિસ્ટ્રેશનની જે પદ્ધતિ છે એ યથાવત રાખેલી છે.
જામનગરમાં ગઇકાલે 5542 યુવાઓને વેક્સિન અપાઇ
દેશમાં હવે સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા : ગુજરાતમાં નહીં