Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરસ્વૈચ્છિક લોકડાઉન, રાત્રિ કર્ફયુ, નિયંત્રણો છતાં જામનગરમાં કોરોના બેકાબૂ

સ્વૈચ્છિક લોકડાઉન, રાત્રિ કર્ફયુ, નિયંત્રણો છતાં જામનગરમાં કોરોના બેકાબૂ

10 દિવસના નિયંત્રણોની સંક્રમણ પર તસુભાર પણ અસર નહીં ! : કોવિડ ગાઇડલાઇનનું સ્વયમ પાલન એક માત્ર બચાવ

- Advertisement -

સ્વૈચ્છિક લોકડાઉન, રાત્રિ કર્ફયુ ત્યારબાદ રાજય સરકારના સખ્ત નિયંત્રણો સાથેના મીની લોકડાઉન છતાં જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ યથાવત્ રહ્યું છે. કર્ફયુ અને નિયંત્રણોની કોઇ અસર જામનગર શહેરમાં થઇ હોય તેમ જણાતું નથી. ઉલટું નિયંત્રણોના 10 દિવસબાદ પણ શહેરમાં કોરોનાનો એક પણ કેસ ઘટયો નથી. ત્યારે મીનીલોકડાઉન જેવાં નિયંત્રણોની અસરકારકતાને લઇને પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. આજે ગુરૂવારે પણ શહેરમાં નવા 397 પોઝિટીવ કેસ નોંધાયા છે. છેલ્લાં 10 દિવસથી દરરોજ આટલાં જ કેસ નોંધાઇ રહ્યા છે.

- Advertisement -

મીનીલોકડાઉનની કોઇ અસર જ ન હોઇ તેમ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં તસુભારનો પણ તફાવત જોવા મળ્યો નથી. જામ્યુકોના આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવતાં સંક્રમણના સતાવારા આંકડાઓ સાબિત કરી રહ્યા છે કે, જામનગરમાં કોરોનાનું સંક્રમણ 10 દિવસથી જેમનું તેમ બની રહ્યુ છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, ટેસ્ટીંગના આંકડાઓમાં ઘટાડો થયો હોવા છતાં કેસની સંખ્યા યથાવત રહી છે. એટલું જ નહીં દરરોજ 397/398 એ ચોંટી ગયેલાં પોઝિટીવ કેસના આંકડા સંદેહ જન્માવી રહ્યા છે. શહેરમાં કોરોનાનું કોમ્યુનીટિ સ્પ્રેડ હોવા છતાં આંક્રમક ટેસ્ટીંગને લઇને ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે. આરોગ્ય તંત્ર પાસે વેકિસનની સાથે એન્ટીજન ટેસ્ટીંગ કિટનો જથ્થો પણ ઉપલબ્ધ નથી. પરિણામે પર્યાપત માત્રામાં ટેસ્ટ નહીં થઇ શકવાને કારણે કોરોના સંક્રમણનો સાચો આંકડો બહાર આવતો નથી.

કેટલાંક તબીબો અને તજજ્ઞોના જણાવ્યા અનુસાર શહેરમાં સંક્રમણની સ્થિતિ દરિયામાં તરતી હિમશિલાની ટોચ જેવી છે. બહાર ભલે સંક્રમણ ઓછું દેખાતું હોય પરંતુ અંદર ભયજનક રીતે પ્રસરેલું છે. અને તે અપર્યાપ્ત પ્રયાસોને કારણે વધુ ઝડપથી પ્રસરી રહ્યું છે. હાલ જામનગરની હેલ્થ કેર સિસ્ટમ પણ ખુબ જ દબાણ હેઠળ હોય સાચી પરિસ્થિતિ બહાર આવતી નથી. આવી સ્થિતીમાં શહેરના દરેક નાગરિકે કોરોનાથી બચવા સ્યંમ જાગૃતિ દર્શાવવી ખુબ જ જરૂરી બની ગઇ છે. જુદી-જુદી સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનના અખતરા પણ કરી લેવામાં આવ્યા છે. જે નિષ્ફળ રહ્યા છે. સરકારી લોકડાઉનની પણ કોઇ અસર જણાઇ રહી નથી. ત્યારે કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું એ જ એક માત્ર બચાવ હોવાનું ફલીત થઇ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular