Tuesday, December 24, 2024
Homeરાજ્યજોડિયા તાલુકાના બાલંભાના ઉપસરપંચ ઉપર ફાયરીંગ કરી નિર્મમ હત્યા

જોડિયા તાલુકાના બાલંભાના ઉપસરપંચ ઉપર ફાયરીંગ કરી નિર્મમ હત્યા

ધમકી આપ્યા બાદ બે દિવસ પછી સાચે જ ઢીમ ઢાળી દીધું : મૃતક ઉપસરપંચના ભાઇને સારવાર માટે જી.જી.હોસ્પિટલ ખસેડાયો : બાલંભાના જ ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ

- Advertisement -

જોડિયા તાલુકાના બાલંભા ગામમાં શનિવારે સાંજના સમયે રેતીની લીઝનો ખાર રાખી ચાર શખ્સોએ સશસ્ત્ર હથિયાર સાથે ઘસી આવી ઉપસરપંચ અને તેના ભાઈ ઉપર ફાયરીંગ કર્યાના બનાવમાં ઉપસરપંચનું ઘટનાસ્થળે જ મોત નિપજ્તા હત્યામાં પલ્ટાયો હતો તેમજ મૃતકના ભાઈને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ હુમલામાં ચાર શખ્સોએ તલવાર અને ધારિયા વડે હુમલો કર્યો હતો.

- Advertisement -

હત્યાના બનાવ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલંભા ગામના ઉપસરપંચ કાંતિભાઈ કરશનભાઈ માલવિયાની ઓફિસે પાંચ દિવસે પૂર્વે અયુબ જુસબ જસરાયા અને અસગર હુશેન કમોરા નામના બે શખ્સોએ આવીને ‘તમારે રેતીની લીઝ ચલાવવી હોય તો અમને પૈસા આપવા પડશે નહીંતર બે દિવસમાં તમારો નિકાલ થઈ જશે’ આ પ્રકારની ધમકી આપી હતી. જો કે, ઉપસરપંચ આ ધમકીને અવગણી હતી. પરંતુ ધમકી આપનારે સાચે જ ઉપસરપંચનો બે દિવસમાં નિકાલ કરી નાખ્યાની ઘટનામાં શનિવારે સાંજના છ વાગ્યાના અરસામાં ઉપસરપંચ કાંતિલાલ કરશનભાઈ માલવિયા (ઉ.વ.42) નામના યુવાન ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલી ઓફિસે હતા ત્યારે અયુબ જુસબ જસરાયા અને અસગર હુશેન કમોરા અને બે અજાણ્યા સહિતના ચાર શખ્સો બંદૂક, તલવારને ધારીયા સાથે ધસી આવ્યા હતાં અને ત્યાં કાંતિલાલ ઉપર ધડાધડ ફાયરિંગ કર્યુ હતું.

આ ફાયરીંગમાં કાંતિલાલને છાતીમાં ગોળી વાગી હતી. જેથી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયા હતાં અને તેના ભાઈ નિલેશ ઉપર અજાણ્યા બે શખ્સોએ ધારિયા વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ ગણતરીની મિનિટોમાં હુમલાખોરો નાશી ગયા હતાં. દરમિયાન ગોળીથી ઘવાયેલ ઉપસરપંચ કાંતિલાલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે નિલેશને સારવાર માટે જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બાદમાં એલસીબી-એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોર્ડ સહિતનો કાફલો બનાવસ્થળે પહોંચી ગયો હતો અને નાશી ગયેલા હત્યારાઓને ઝડપી લેવા માટે જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે ઘવાયેલા નિલેશભાઈના નિવેદનના આધારે અયુબ જુસબ જસરાયા અને અસગર હુશેન કમોરા અને બે અજાણ્યા સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ હત્યા અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular