ગુજરાતમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે લોકો ઓક્સિજન, બેડ, વેન્ટિલેટર સહીતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં અમરેલીના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્રારા અમરેલીની કોવીડ હોસ્પિટલમાં 1 મેટ્રિકટનની ઓક્સિજન ટેન્ક ગોઠવી આપવામાં આવી છે.
અમરેલીમાં કોવિડ દર્દીઓ માટે પરેશ ધાનાણીએ પોતાની જાતે ઓક્સિજન ફાળવ્યો છે. તેઓએ કોવિડ હોસ્પિટલ માટે 1 મેટ્રિક ટનની ઓક્સિજન ટેન્ક ગોઠવી છે. તે અંદાજે 125 ઓક્સિજન સીલીન્ડરની જરૂરિયાત પૂરી પાડશે. અને અમરેલીના લોકોએ ઓક્સિજન મેળવવામાં પડી રહેલી મુશ્કેલીમાં રાહત મળશે. આ સિવાય પણ અમરેલી જિલ્લાના જરૂરિયાત મંદ લોકોને વિનામૂલ્યે ઓક્સિજન આપવામાં આવશે ઓક્સિજન સિલિન્ડર સાથે એક સંકલ્પ પત્ર પણ આપવામાં આવશે અને ઓક્સિજન સિલિન્ડરના લાભાર્થીઓને વૃક્ષના રોપ અને ઉછેરે તેવી અપીલ પણ પરેશ ધાનાણી દ્રારાકરવામાં આવી છે. હાલ અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે નર્સિગ કોલેજ સંચાલિત કોવીડ કેર સેન્ટરમાં આ ટેન્ક ઉપલબ્ધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. APPLના સહયોગથી પરેશ ધાનાણી દ્રારા ઓક્સિજન ફાળવવામાં આવ્યો છે. અને અગામી 2 દિવસમાં અમરેલીની કોવીડ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક કાર્યરત થશે.