બંગાળમાં આજે 45 બેઠક પર પાંચમા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠકો માટે 319 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 39 મહિલાનો સમાવેશ થાય છે. ચૂંટણી જલપાઇગુડી, કલિમ્પોંગ, દાજીર્લિંગ, ઉત્તર 24 પરગણા,નદિયા શહેર અને પૂર્વ બર્ધમાન જિલ્લામાં યોજાઈ છે.
45 માંથી 13 બેઠક ઉત્તર બંગાળની છે. અહીં ભાજપ મજબૂત છે. માનવામાં આવે છે કે દક્ષિણ બંગાળમાં તૃણમૂલનો પ્રભાવ વધુ છે. આ ચૂંટણીમાં ગોરખાલેન્ડ આંદોલન, ચાના બગીચામાં કામ કરતા મજૂરોનું શોષણ અને વિકાસ જેવા મુદ્દાઓ કેન્દ્રમાં છે. આ તબક્કામાં સૌથી વધુ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ 45 બેઠક પર ભાજપને 2019ની લોકસભાની ચૂંટણીમાં ટીએમસી કરતાં વધારે મત મળ્યા હતા. દેશમાં દરરોજ કોરોનાના લાખો કેસ નોંધાઈ રહ્યા છે. ત્યાર બાદ પણ ચૂંટણી કર્મચારીઓને આ રીતે ભીડમાં ચૂંટણી સામગ્રી આપવામાં આવી રહી છે.
પાંચમા તબક્કામાં 12 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. મતદાન માટે 15 હજાર 789 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. ભાજપ તમામ 45 બેઠક અને ટીએમસી 42 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને એના સહયોગી ભારતીય સેક્યુલર ફ્રન્ટ પણ સંયુક્ત મોરચાના બેનર હેઠળ મેદાનમાં છે. TMCના વરિષ્ઠ નેતા અને બંગાળ સરકારના પ્રધાન બ્રાત્ય બાસુ દમદમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદ) CPI ના પલાશ દાસ તેમને ટક્કર આપી રહ્યા છે. ભાજપ તરફથી શંકર નંદા મેદાનમાં છે. પૂર્વ ટીએમસી મંત્રી મદન મિત્રા કમરહટ્ટી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુ બેનર્જી તેમને ટક્કર આપી રહ્યા છે. CPIએ સાયનદીપ મિત્રને ટિકિટ આપી છે. ટીએમસીના ફાયર મિનિસ્ટર સુજિત બોઝ બિધાનનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે સબ્યસાચી દત્તાને ટિકિટ આપી છે.