જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની ચેઇન તોડવા માટે આજથી ત્રણ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રારંભ થયો છે. જામનગર શહેરની વ્યાપારી સંસ્થાઓ દ્વારા નિર્ધારિત કરાયેલાં આ સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શહેરની અનેક મુખ્ય બજારો બંધ રહેવા પામી છે. તો બીજી તરફ ખરેખર જે દુકાનો અને ધંધાઓ બંધ રહેવા જોઇએ તે ધમધમી રહયા છે. આ અત્યંત ગંભીર બાબત છે. જે દુકાનો અને ધંધાઓ ખુલ્લા છે તે લોકડાઉનની સંભવિત અસરને લગભગ નાબુદ કરી રહયા છે. આ એવા સ્થાનો છે જે જગ્યાએથી કોરોના સંકમણ સૌથી વધુ પ્રસરે છે. જયારે જયાં આમેય ભીડભાડ ઓછી હોય છે તેવી દુકાનો બંધ રહેતાં સ્વૈચ્છિક લોકડાઉનના ઉદેશ્ય સામે પ્રશ્ર્ન ઉભા થયા છે.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સની પહેલના આધારે શહેર અને જિલ્લાની જુદી-જુદી વ્યાપારી સંસ્થાઓ દ્વારા જિલ્લામાં વધી રહેલાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે શુક-શનિ-રવિ ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ આ ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો આજથી પ્રારંભ થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ લોકડાઉનનું પાલન સારી રીતે થઇ રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પરંતુ શહેરના લોકો સંક્રમણની ગંભીરતાને લઇને હજુ પણ સજાગ કે સતર્ક હોય તેમ જણાતું નથી. દરેકે પોતાની જવાબદારી સમજીને આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાવવાને બદલે પોતપોતાની રીતે ધંધા-રોજગાર ખુલ્લા બંધ રાખીને સમજદારી અને લાપરવાહીના દર્શન કરાવ્યા છે.
શહેરના ધમધમતાં વિસ્તારો જેવા કે, બર્ધનચોક, ગ્રેઇન માર્કેટ, ચાંદીબજાર જેવા વિસ્તારોમાં મોટાભાગના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને સહકાર આપવાનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં અસંખ્ય દુકાનો ખુલી જવા મળી છે. એટલું જ નહીં આવો દુકાનો પર લોકોની રાબેતા મુજબની અવરજવર પણ જોવા મળી રહી છે. એટલું જ નહીં શહેરના રાજમાર્ગો પર નાગરિકોને અવરજવર ઉપર પણ ખાસ કોઇ અસર જોવા મળી નથી. ખાસ કરીને કોરોનાના સુપરસ્પ્રેડર ગણાતી ચા-પાનની દુકાનો શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ખુલ્લી જોવા મળી છે. એટલું જ નહીં અહીં લોકોની અવરજવર પણ રાબેતા મુજબ રહી છે. આ એવી દુકાનો છે. જયાંથી કોરોના સંક્રમણને સૌથી વધુ પ્રસાર થવાની સંભાવનાઓ રહેલી હોય છે. ત્યારે શહેરીજનોની આ પ્રકારના અભિગમને કારણે સ્વૈચ્છિક લોકડાઉનનો ખરો અર્થ જ માર્યો જતો હોવાનું જણાઇ રહ્યું છે. શું ? આ રીતે આપણે કોરોના સંક્રમણની ચેઇન તોડી શકીશું ? શું આપણે જવાબદાર નાગરિકો ન બની શકીએ ? શું સરકાર અને તંત્રને થોડો સહકાર આપવાની આપણી ફરજ નથી ? શું આપણા પરિજનો 5્રત્યે આપણે આટલાં બેદરકાર રહી શકીએ ખરાં ? આવા અનેક પ્રશ્ર્નો આજની સ્થિતિ જોતાં ઉપસ્થિત થયા છે. જો આવી જ સ્થિતિ રહી તો કોરોનાને નાથવા માટે સખ્ત સરકારી લોકડાઉન સિવાય કોઇ વિકલ્પ બચતો નથી.