જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણ ગત્ વર્ષ કરતાં અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ગુરૂ ગોવિંદસિંગ હોસ્પિટલમાં કોવિડના 1200 બેડની સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ હાલ જામનગરની આ કોવિડ હોસ્પિટલમાં મોરબી અને રાજકોટ સહિતના અનેક જિલ્લાઓના કોવિડ દર્દીઓ સારવાર માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જેના કારણે જામનગરની કોવિડ હોસ્પિટલમાં બેડની સુવિધાઓ ઘટે તે પૂર્વે જ વહીવટી તંત્ર દ્વારા અન્ય હોસ્પિટલોમાં કોવિડ બેડની સુવિધાઓ વધારવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે. જે અંતર્ગત જામનગરની સમર્પણ હોસ્પિટલમાં કોવિડના 90 બેડની સુવિધા શરૂ કરવામાં આવી છે.