કોરોના કહેર વચ્ચે વડોદરાના પાદરા નગરમાં દીકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ ઠૂમકા લગાવ્યા હતા. લગ્ન નિમિત્તેની પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હતા. અને કજરા..રે…કજરા…રે..ગીત ઉપર અભેનેત્રી મમતા સોની ઉપર રૂપિયાનો વરસાદ કરી મનમૂકી નાચ્યા હતા. પાદરા પોલીસે કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલી માહિતી પ્રમાણે પાદરા ટાવર રોડ પર રહેતા ફારૂકભાઇ કાલુભાઈ મેમણની દીકરીના લગ્ન હતા. દીકરીના લગ્ન નિમિત્તે પાદરા ડભાસા રોડ ઉપર આવેલ રંગ ફાર્મ હાઉસમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હતા. આ મ્યુઝિકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ કજરા…રે.. કજરા…રે.. ગીત ઉપર ઠૂમકા લગાવ્યા હતા. અભિનેત્રીના ઠૂમકા જોઈ લગ્ન નિમિત્તેની પાર્ટીમાં જોડાયેલા કેટલાક લોકોએ અભિનેત્રી ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો. તો કેટલાક લોકો કજરા..રે.. ગીત ઉપર મન મૂકીને નાચ્યા હતા.
ફાર્મ હાઉસમાં ભવ્ય સ્ટેજ બાધી આયોજીત લગ્ન નિમિત્તેની આ મ્યુઝિકલ પાર્ટીમાં જોડાયેલા અનેક લોકો માસ્ક વગર ના હતા. તેમજ સોશિયલ ડિસ્ટનસ પણ જાળવ્યું ન હતું અને અભિનેત્રીના વિવિધ ગીતો ઉપરના ડાન્સ સાથે આનંદ લૂંટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાળો કેર વર્તાવી રહેલા કોરોનાને પગલે સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો યોજવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે સાથે લગ્ન પ્રસંગ સહિત શુભ-અશુભ પ્રસંગો ઉપર પણ મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે. ત્યારે પાદરાના રહેવાસી ફારુક મેમણે પોતાની દિકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસ રાખીને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરતા ચકચાર મચી ગઇ હતી.
મોડી રાત સુધી ચાલેલી આ મ્યુઝિકલ પાર્ટી અંગેની જાણ પાદરા પોલીસને થતાં પી.એસ.આઇ પી.ડી. જયસ્વાલ પોતાના સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને તાત્કાલિક મ્યુઝિકલ પાર્ટી બંધ કરાવી દીધી હતી. મ્યુઝિકલ પાર્ટીમાં પોલીસ ત્રાટકતાની સાથે જ મ્યુઝિકલ પાર્ટીમાં જોડાયેલા લોકો ચોંકી ઉઠ્યા હતા. પાદરા પોલીસે મ્યુઝિકલ પાર્ટીમાં માસ્ક વગર આવેલા 15 લોકોની પાસેથી નિર્ધારિત થયેલા રૂપિયા 1000 પ્રમાણે 15000 હજારનો દંડ વસૂલ કર્યો હતો. તે સાથે મ્યુઝિકલ પાર્ટીના આયોજક ફારૂકભાઇ મેમણ સામે કોવિડની ગાઈડ લાઈન મુજબ જાહેરનામા ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પાદરા પોલીસ મથકના અધિકારી પી.ડી. જયસ્વાલે જણાવ્યું હતું કે, મ્યુઝિકલ સિસ્ટમ કબજે કરવામાં આવી નથી. પરંતુ કોવિડ ગાઇડ લાઇન મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. પાદરાના ફારૂક મેમણે કોરોના કાળ દરમિયાન દીકરીના લગ્ન નિમિત્તે ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીની આયોજિત મ્યુઝિકલ પાર્ટીએ ભારે ચકચાર મચાવી મૂકી હતી. તે સાથે આ મ્યુઝિકલ પાર્ટીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાઈરલ થઈ ગયો હતો.