ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે 18 માર્ચે નોંધાયો હતો અને 40 દિવસ બાદ કુલ કેસનો આંક 4 હજારને પાર થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે વણસી ચૂકી છે કે એક જ દિવસમાં 4 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 4,021 નવા કેસ સામે આવ્યા છે અને 11 જૂન બાદ પ્રથમવાર સૌથી વધુ 38ના મૃત્યુ થયા છે. એક્ટિવ કેસનો આંક 31 માર્ચના 12610 હતો તે છેલ્લા 8 દિવસમાં 62% વધીને 20,473 થઇ ગયો છે. 182 દર્દીઓ હાલમાં વેન્ટિલેટર પર છે. રાજ્યમાં હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167થી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા છે. કુલ કેસનો આંક હવે 3,32,474 છે જ્યારે કુલ મરણાંક 4,655 છે. બુધવારની સરખામણીએ દૈનિક કેસમાં 446નો જ્યારે એક્ટિવ કેસમાં 1,789નો વધારો નોંધાયો છે.
ગુજરાતના જે જિલ્લાઓમાં કોરોના સૌથી વધુ કેર વર્તાવી રહ્યો છે તેમાં અમદાવાદ, સુરત મોખરે છે. અમદાવાદ શહેરમાં 951-ગ્રામ્યમાં 26 સાથે 977 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમા ંકુલ કેસનો આંક હવે 78,611 થઇ ગયો છે. સુરતમાં કોરોનાએ નવી સપાટી વટાવતાં 960 નવા કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાંથી 723-ગ્રામ્યમાંથી 237 કેસનો સમાવેશ થાય છે. આમ, આ બંને જિલ્લાઓમાંથી 1,937 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 379-ગ્રામ્યમાં 111 સાથે 490 જ્યારે રાજકોટ શહેરમાં 427-ગ્રામ્યમાં 93 સાથે 520 કેસ સામે આવ્યા છે. કુલ કેસનો આંક હવે વડોદરામાં 37,519 અને રાજકોટમાં 29,688 છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે તેમાં 203 સાથે જામનગર, 84 સાથે ભાવનગર, 99 સાથે પાટણ, 77 સાથે ગાંધીનગર-જુનાગઢ, 74 સાથે મહેસાણા, 41 સાથે કચ્છનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 14, અમદાવાદમાંથી 9, રાજકોટમાંથી 4, વડોદરામાંથી 3 જ્યારે અમરેલી-ભરૂચ-ભાવનગર-જામનગર-મહેસાણામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 2,398-સુરતમાં 1,073-વડોદરામાં 258-રાજકોટમાં 217, જામનગરમાં 37, મહેસાણામાં 40, ભાવનગરમાં 74 છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી 671, અમદાવાદમાંથી 490, વડોદરામાંથી 222, રાજકોટમાંથી 272 એમ રાજ્યભરમાંથી 2197 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 3,07,346 દર્દીઓ સાજા થયા છે અને રીક્વરી રેટ 92.44% છે. ગુજરાતમાં બુધવારે 1,23,866 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ કુલ ટેસ્ટનો આંક હવે 1.42 કરોડ છે. રાજ્યમાં 1.48 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.