ગુજરાતમાં કોરોના સંક્રમણને ખાળવા માટે રાજ્યના 200થી વધુ ગામો અને નાના શહેરો એ સ્વયંભૂ લોકડાઉનના નિર્ણયો લીધા છે. વિવિધ વેપારી સંગઠનોએ પણ સરકાર સમક્ષ વિકેન્ડ કર્ફ્યૂ લાદવાની ભલામણો કરી છે. તે સંજોગોમાં વેપારીઓ અને પ્રજાની સ્વયં શિસ્ત સાથે સરકાર પણ શનિ રવિ (વિકેન્ડ) કર્ફ્યૂ લાદવાની વિચારણા કરવા લાગી છે, અને કોર કમિટીમાં ચર્ચા કર્યા બાદ નિર્ણય લઈ શકે છે.
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી સરકાર કોઈ ચોક્કસ નિર્ણય લે એ પહેલાં અનેક નાના શહેરો અને ગામડાઓ જાતે એલર્ટ બનીને સ્વયંભૂ લોકડાઉન કરવા લાગ્યા છે. તો બીજી બાજુ સરકાર અસમંજસમાં છે કે વિકેન્ડ કર્ફ્યૂ લાદવો કે નહીં, જો કર્ફ્યૂ શનિ રવિમાં નાખવામાં આવે તો વેક્સિનેશન અને ટેસ્ટિંગ બંધ થઇ શકે છે. પરિણામે હવે બે દિવસ સંપૂર્ણ કર્ફ્યૂ લાદી સોમવારથી શુક્રવાર સુધી પુરજોશમાં વેક્સિનેશન અને ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે.
ગુજરાત સહિત દેશભરમાં કોરોના કહેર મચાવી રહ્યો છે અને દિનપ્રતિદિન કેસ અને મોતના આંકડા ગંભીર રીતે વધી રહ્યા છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે આપેલા નિર્દેશના પગલે રાજ્ય સરકાર હાલ 20 શહેરોમાં રાતના 8 થી સવારના 6 સુધીનો કર્ફ્યુ અમલી બનાવ્યો છે. ગઈકાલે વડાપ્રધાન સાથેની રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં વેક્સિનેશન વધારવાની સૂચના રાજ્યોને આપવામાં આવી છે. સાથે સાથે કોરોનાને કાબુમાં લેવા અલગ અલગ પગલાં ભરવાની પણ છૂટ આપવામાં આવી છે.
પીએમ મોદી સાથેની બેઠક બાદ બેફામ બનેલા કોરોનાને કાબૂમાં લેવા સળંગ બે દિવસ સુધી કર્ફ્યૂ લાદવો કે શનિ-રવિમાં કર્ફ્યુમાં સમય વધારવો તે બાબતની સરકારમાં ગંભીરતાથી સમીક્ષા થઈ રહી છે. આ મામલે વેપારી સંગઠનો,સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ શહેર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. ખાસ કરીને સરકાર લોકડાઉનના જમા અને ઉધાર પાસાની વિસ્તૃત સમીક્ષા કરી રહી છે. તેની સાથે સાથે વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત બાદ કેન્દ્રની ગાઈડલાઈન અને લોકડાઉન અંગે રાજ્યોને છૂટછાટ આપ્યા બાદ રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.
ગુજરાતમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ હોવાનું માની ગુજરાત હાઈકોર્ટે પણ સરકારને કોરોના વાયરસને કાબૂમાં લેવા અનેક નિર્દેશો આપ્યા હતા. જેને પગલે સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ હતી અને વિવિધ પગલાઓ લીધા હતા. જેમાં 20 જેટલા શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, માત્ર એટલું જ નહીં લગ્નો અને જાહેર સમારોહમાં સંખ્યાઓ નિયંત્રિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને લોકડાઉનનો અમલ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. જેના આધારે રાજ્ય સરકારે કેન્દ્રીય આરોગ્ય અને ગૃહ મંત્રાલય સાથે ચર્ચા શરૂ કરીને ગુજરાતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારના પગલાં લેવા તે માટેનુ માર્ગદર્શન પણ લેવામાં આવી રહ્યું છે.