દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ શનિવારે કોરોના વેક્સીન લીધા બાદ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જો પ્રતિબંધો હટાવી લેવામાં આવે અને વેક્સીનની સંપૂર્ણ સપ્લાય કરવામાં આવે ટો તેમની સરકાર સમગ્ર દિલ્હીને એકસાથે વેક્સીન લગાવવા માટે તૈયાર છે.
તેમણે લોકોને વેક્સિનેશન માટે અપીલ કરતાં કહ્યું કે, હું દિલ્હીના તમામ લોકોને અપીલ કરું છું કે જે પણ ૪૫ વર્ષથી ઉપરની વયના લોકો છે તે બધા વહેલી તકે વેક્સિન લે અને સાથે જ ભારત સરકારને વિનંતી કરું છું કે, પ્રતિબંધ હટાવી સંપૂર્ણ સપ્લાઇ કરે. વેક્સિનની સપ્લાઇમાં કાપ ના રાખે, જેનાથી સમગ્ર દિલ્હીને એક સાથે વેક્સિન લગાવી શકાય અને સંક્રમણની ચેનને તોડી શકાય. જ્યાં સુધી ચેન તોડવાની સ્પીડથી વેક્સિન નહીં લાગે ત્યાં સુધી કોવિડનો ખતરો રહેશે.
તેમણે કહ્યું કે, અમારી સંપૂર્ણ તૈયારી છે અને અમે સમગ્ર દિલ્હીને વેક્સિન લગાવવા માટે તૈયાર છીએ. તમામ પ્રતિબંધો હટાવીને સમગ્ર દિલ્હીને વેક્સિન લગાવીશું ત્યારે આ ચેન તૂટશે. હાલ વેક્સિનની ભરપૂર સપ્લાઇ છે. પ્રોટોકોલના જે પ્રતિબંધ છે, જો તે હટાવી લેવામાં આવે તો બધાને વેક્સિન લગાવી શકાય છે.