જામનગર શહેર અને જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વ દરમિયાન શહેરમાં 71 અને ગ્રામ્ય વિસ્તારમાં 38 નવા કોરોના દર્દી ઉમેરાયા છે. જ્યારે શહેરમાંથી 53 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 25 દર્દીઓએ કોરોનાને માત આપી છે તેમજ કોરોનામાં આઠ દર્દીઓના મોત નિપજ્યા છે. શહેર અને જિલ્લામાં સમગ્ર દેશની સાથે સાથે કોરોના સંક્રમણ સતત વધતુ જાય છે. જેની તકેદારીના ભાગરૂપે હોળી-ધૂળેટીમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સમગ્ર દેશમાં કોરોના મહામારીને એક વર્ષ પૂર્ણ થતા આ મહામારીએ ફરીથી તેનો કહેર શરૂ કર્યો છે અને ગત વર્ષ કરતા આ વર્ષે સંક્રમણની ઝડપ અનેકગણી વધારે છે. જેમાં દેશભરમાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ એક માસ પૂર્વે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 300 જેટલી હતી જે આજે વધીને 2200 સુધી પહોંચી ગઈ છે. જેમાં ખાસ કરીને સુરતમાં કોરોના કેસોની સંખ્યામાં અનેકગણો વધારો મળી રહ્યો છે. જ્યારે જામનગર શહેર-જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વ દરમિયાન આઠ વ્યકિતઓના મોત નિપજ્યા છે અને જિલ્લામાં ત્રણ દિવસ દરમિયાન શહેરમાં નવા 71 કોરોનાના દર્દીઓ ઉમેરાયા છે. જ્યારે 53 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
તેમજ જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં આ ત્રણ દિવસ દરમિયાન 38 નવા દર્દીઓ ઉમેરાયા છે અને 25 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જામનગર જિલ્લામાં તહેવારના દિવસો દરમિયાન કોરોનાને કારણે આઠ વ્યક્તિઓના મોત નિપજતા હાલારવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વધતા જતા કોરોના સંક્રમણને કારણે કલેકટર રવિ શંકર દ્વારા ધૂળેટી ઉજવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને હોળી પ્રગટાવવામાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાની અપીલ કરવામાં આવી હતી.